નવી IPL સિઝન શરૂૂ થાય તે પહેલા જ અનેક ટીમો ખેલાડીઓની ઈજાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે છેલ્લા 24 કલાકની ત્રણ સ્ટાર ખેલાડીઓ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 28 માર્ચે આઇપીએલની 19 મી સિઝન શરૂૂ થાય તેના નવ દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ માટે 24 કલાકની અંદર ખરાબ સમાચાર આવ્યા છે.
19 માર્ચ, ગુરુવારના રોજ, ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર નાથન એલિસ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર રીતે જાહેરાત કરી ન હતી, પરંતુ CSKના CEO એ મીડિયાને જણાવ્યું હતું કે એલિસ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે આ સિઝનમાં રમી શકશે નહીં.
એક અહેવાલ અનુસાર ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન પણ ઈજાને કારણે આ સિઝનમાં રમી શકશે નહીં. કરનને ગ્રોઈનમાં ઈજા થઈ હતી, જેમાંથી તે સમયસર સ્વસ્થ થઈ શકશે નહીં. ગયા સિઝન પછી તેને સીએસકેથી રાજસ્થાન રોયલ્સ સાથે ₹2.4 કરોડમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. જોકે, તે તેની નવી ફ્રેન્ચાઇઝી માટે મેદાનમાં ઉતરી શકશે નહીં.
કેકેઆર જે પહેલાથી જ ફાસ્ટ બોલરોની અછતનો સામનો કરી રહી છે, તેને પણ મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર મથીશા પથિરાના, જેને KKR દ્વારા ₹18 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, તે હજુ સુધી ફિટનેસ પાછી મેળવી શક્યો નથી અને શ્રીલંકા ક્રિકેટ તરફથી તેને NoC મળ્યું નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે પથિરાના તેની ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ ગયો, જેના કારણે બોર્ડે આ નિર્ણય લીધો. પરિણામે, હવે ટુર્નામેન્ટમાં તેનું રમવું અશક્ય લાગે છે.
