હૃદયરોગના હુમલામાં પ્રસુતા અને વેપારી સહિત ત્રણ લોકો ધબકારા ચૂકી ગયા

પ્રસુતિના ચાર દિવસ બાદ બેભાન હાલતમાં ઢળી પડેલી પરિણીતાના મોતથી નવજાત બાળકે માતાની મમતા ગુમાવી રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં…

પ્રસુતિના ચાર દિવસ બાદ બેભાન હાલતમાં ઢળી પડેલી પરિણીતાના મોતથી નવજાત બાળકે માતાની મમતા ગુમાવી

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં વધુ ત્રણ માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ છે. જેમાં માલિયાસણમાં પ્રસુતા, સાગરનગર મફતિયાપરામાં વેપારી અને સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માલિયાસણ ગામે રહેતાં હેતલબેન ભાર્ગવભાઈ હાપલીયા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સવારે એકાએક ગભરામણ થવા માંડતા પતિને જાણ કરી હતી. એ દરમિયાન તે બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિં મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. મૃત્યુ પામનાર હેતલબેનને સંતાનમાં ત્રણ વર્ષની એક દિકરી હતી. ચાર દિવસ પહેલા જ તેમણે બીજા સંતાન દિકરાને ખાનગી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. તબિબત સ્વસ્થ હોઇ રજા અપાઈ હતી. આજે સવારે એકાએક તબીયત બગડતાં મૃત્યુ થયું હતું. તેમના પતિ ભાર્ગવભાઇ હાપલીયા માલિયાસણ કંપનીમાં નોકરી કરતાં હોઈ પતિ-પત્નિ અહિ રહેતાં હતાં. ગુબ વતન મધવાડા ગામે છે. બનાવને પગલે હાથલીય પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બીજા બનાવમાં જુના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા સાગ નગર મફતિયાપરામાં રહેતા દીપકભાઈ સવજીભાઈ કુંઢીયા નામના 52 વર્ષના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક દીપકભાઈ કુંઢીયાને સંતાનમાં એક પુત્ર છે અને દીપકભાઈ કુંઢીયા રિક્ષામાં બટેટા ડુંગળીની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા ઉપેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ શાહ નામના 55 વર્ષના આધેડ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *