શહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં પુજારી સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા હતાં. બેડી ગામે અને લક્ષ્મીનગરમાં રહેતાં…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં પુજારી સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા હતાં. બેડી ગામે અને લક્ષ્મીનગરમાં રહેતાં બે યુવાનો અને હનુમાનધારના પુજારી વૃધ્ધને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હતો.

જાણવા મળતી વિગત મુજબ, ખેરડીથી ભીચરી જવાના રસ્તે આવેલા હનુમાનધાર આશ્રમમાં ગોકુલ ગૌશાળાના મંદિરમાં સેવા પુજા કરતાં જયરામદાસ બાપુ (ઉ.85) ગત રાત્રે કોઈ કારણોસર બેભાન થઈ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમનું હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યુ હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે રહેતો ગજેસિંગ તલાભાઈ મારવાડી (ઉ.35) નામનો યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘરે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રીજા બનાવમાં મોરબી રોડ પર બેડી ગામે રહેતા રીક્ષા ચાલક અનિલભાઈ રવજીભાઈ કાપડીયા (ઉ.45) આજે સવારે પોતાના ઘરે બેભાન થઈ ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમનું હાર્ટએટેકથી મરણ ગયાનું જાહેર કરવામાં આવ્યું હતું. મૃતક બે ભાઈ એક બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *