રાજકોટ શહેરમા દિવસે ને દિવસે મારા મારી, લુંટ, ચોરીના બનાવો વધતા જઇ રહયા છે ત્યારે ગોકુલધામ પાસે આવેલા ગાર્ડન નજીક ગીતાંજલી સોસાયટીમા રહેતા વેપારી પર બે દિવસ પહેલા શ્રધ્ધા ગાર્ડન પાસે એક શખ્સે હુમલો કર્યો હતો. આ ઘટનામા યુવાન સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાતા ત્યા આરોપી અને તેમના પિતા સહીત 3 વ્યકિતએ આવી હોસ્પિટલમા બોલાચાલી કરી માર મારતા પ્રનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગતો મુજબ ગીતાંજલી સોસાયટીમા રહેતા અને વેપાર કરતા રવિ દિનેશભાઇ ભટ્ટી નામના યુવાને પોતાની ફરીયાદમા રોહિત કનુ મેર, મધુબેન રોહિતભાઇ મેર અને કનુભાઇ મેરનુ નામ આપતા તેમની સામે પ્રનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.
આ ઘટનામા પીએસઆઇ જે. એમ. પરમાર તપાસ ચલાવી રહયા છે. રવિભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ગઇ તા. 18 ના રોજ પોતાના ઘર પાસે આવેલા શ્રધ્ધા ગાર્ડનમા બેડમીન્ટન રમતો હતો ત્યારે ત્યા રોહિત કનુ મેર આવ્યો હતો અને તેમણે પોલીસમા તુ અમારી ખોટી વાતો કેમ કરે છે.
તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી અને તે મારામારી કરવા લાગ્યો હતો. જેથી ત્યા માણસો એકઠા થઇ ગયા હતા એટલે આરોપી ત્યાથી ભાગી ગયો હતો અને ઘવાયેલા રવિભાઇને સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
આ ઘટનામા સારવારમા રહેલા રવિભાઇ પાસે આરોપી રોહિત, તેમના પિતા કનુભાઇ અને મધુબેન સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને ત્યા બોલાચાલી કરવા લાગ્યા હતા. તેમજ તેઓ કહેવા લાગ્યા હતા કે આજે તને મારી નાખવો છે અને મારામારી કરવા લાગ્યા હતા. જેથી ત્યા માણસો ભેગા થઇ જતા તેઓએ છુટા પાડયા હતા. આ મામલે હોસ્પિટલ ચોકીમા એન્ટ્રી નોંધવામા આવતા પ્રનગર પોલીસે ફરીયાદ નોંધી પિતા-પુત્ર સહિત ત્રણેયને શકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.