રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન દંપતી અને તેમના પુત્ર સહિત ત્રણેયના મોત થયાં છે.
માહિતી માહિતી અનુસાર, દિલીપભાઈ ખખ્ખર, તેમની પત્ની સ્મિતાબેન ખખ્ખર અને પુત્ર નિશિત ખખ્ખરે સાંજે સેલફોસની ઝેરી દવા પી લીધી હતી. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર દરમિયાન સૌથી પહેલા સ્મિતાબેનનું મોત થયું હતું. ત્યારબાદ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા દિલીપભાઈ અને તેમના પુત્ર નિશિતનું પણ મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણ આ સામૂહિક આપઘાત પાછળનું સંભવિત કારણ હોવાનું સામે આવ્યું છે. જોકે, ચોક્કસ કારણ જાણવા પોલીસ પરિવારજનો અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો લઈ વધુ તપાસ કરી રહી છે.
મૃતક દિલીપભાઈ ખખ્ખર જાહેર બાંધકામ વિભાગ એટલે કે PWDમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમને બે પુત્ર હતા, જેમાંથી મોટા પુત્રનું વર્ષ 2018માં અવસાન થયું હતું, જ્યારે નાનો પુત્ર નિશિત અપરણિત હતો. આ ઘટનાએ સમગ્ર રાજકોટ શહેરને સ્તબ્ધ કરી દીધું છે અને એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી શોકની લાગણી વ્યાપી છે.
