ચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોત

અમદાવાદ-રાજકોટ હાઈવે પર શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા પાસે કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ ટ્રિપલ અકસ્માતમાં અમદાવાદના સેજપુર વિસ્તારના…

અમદાવાદ-રાજકોટ હાઈવે પર શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા પાસે કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ ટ્રિપલ અકસ્માતમાં અમદાવાદના સેજપુર વિસ્તારના ઠાકોર પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને કાળ આંબી જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર એક વોટરપાર્ક પાસે આ ઘટના બની હતી. હાઈવે પર એક ટ્રક ઉભો હતો, તે સમયે ખુલ્લા ડિવાઈડર પરથી અચાનક ટર્ન લઈ રહેલી એક પીકઅપ વાને ઠાકોર પરિવારની કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડ પરથી 70 ફૂટ જેટલી દૂર ફંગોળાઈ હતી અને ત્યાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને વાહનનો કાટમાળ રોડ પર ચારેતરફ ફેલાઈ ગયો હતો.

આ અકસ્માતમાં 28 વર્ષીય સોનાલીબેન ઠાકોર અને 16 વર્ષીય આશિષ ઠાકોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 30), કલ્પેશભાઈ અને 3 વર્ષીય માસૂમ દિવ્યાંશને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન સોનાલીબેનના પતિ હર્ષદભાઈનું પણ મોત નીપજતા આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક વધીને ત્રણ થયો છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર રહેલું ખુલ્લું ડિવાઈડર આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું છે. પીકઅપ વાને કોઈ પણ સંકેત આપ્યા વગર એકાએક ટર્ન લેતા પાછળથી આવતી કાર તેને અથડાઈને હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનામાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 28) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. 16)નું મોત નીપજ્યું હતું.જ્યારે સોનાલીબેનના પતિ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 30)નું સારવાર દરમિયાન મોત થયું હતું.તેમજ ઈજાગ્રસ્તોમાં કલ્પેશભાઈ કાનુભાઈ ઠાકોર (ઉં.વ. 29) અને દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 3)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *