જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઉપર પોલીસની ધોંસ, રૂા.6.70 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં તત્વો ઉપર પોલીસે ધોંસ બોલાવી ત્રણ સ્થળોએ દરોડા પાડી રૂા.6.70 લાખના મુદ્દામાલ સાથે 293 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપીલીધા હતાં. જ્યારે બે શખ્સો ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે. જિલ્લાના વિંછીયા અને સુલતાનપુરમાં આ દરોડા પાડવામાં આવ્યા હતાં.
મળતી વિગતો મુજબ, પ્રથમ દરોડામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વિંછીયા તાલુકાના સમઢીયાળા પાસે વોચ ગોઠવી મારૂતિ સ્વીફટ કારને અટકાવી હતી. જેમાંથી રૂા.1.50 લાખની કિંમતની 220 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ દારૂ સાથે અમરેલીના ચક્કરગઢ ગામના રોકડીયા પરા શેરી નં.1માં રહેતાં લાલજી ઉર્ફે અમીત મનસુખ ચૌહાણની ધરપકડ કરી હતી. આ દરોડામાં વિંછીયાના મોટા માત્રા ગામનો બુટલેગર ઈશ્ર્વર ભવાન બાવડીયા ફરાર થઈ ગયો હતો. પોલીસે આઠ લાખની કાર સહિત રૂા.6.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુલતાનપુરમાં અલગ અલગ બે દરોડા પાડવામાં આવ્યાહતાં.
જેમાં સુલતાનપુરથી દેવડા ગામ તરફ રસ્તેથી સુલતાનપુરના જગદીશ ઉર્ફે ગજની પરસોતમ ગઢીયાને રૂા.6,720ની કિંમતના 48 નંગ ચપલા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૂ સુરતના નાના વરાછાના કશ્યપ ગજેરાએ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજા દરોડામાં સુલતાનપુરના બેડા ગામની સીમમાંથી 4,250ની કિંમતની 25 બોટલ દારૂ સાથે સુલતાનપુરના ભાવેશ છગન ગોંડલીયા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.
