ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકીથી પોલીસ તંત્ર દોડતું થયું છે. એક બ્રોડ ઈમેલ મારફતે ગુજરાતના ત્રણ મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલમાં સોમનાથ મંદિર, કોબા સ્થિત ભાજપ કાર્યાલય અને અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.
કોઈ અજાણ્યા શખ્સે ઇમેઇલ મારફતે આતંકી ધમકી આપી છે. ધમકીભર્યા ઇમેઇલની શરૂઆતમાં ‘અસલામુ વાલેકુમ, અલ્લાહુ અકબર’ લખીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરાયો.ઇમેઇલમાં સોમનાથ મંદિર, CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, તમામ પોલીસકર્મીઓ અને RAW એજન્સીને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. અલગ-અલગ લોકેશન પર અગાઉથી જ બોમ્બ ફિટ કરી દેવામાં આવ્યા હોવાનો ઇમેઇલમાં ચોંકાવનારો દાવો કરાયો છે.
ધમકી આપનારે ઇમેઇલમાં ઝેર ઓકતા હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ જેવા શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પત્રમાં આતંકી કનેક્શન છતું કરતા પાકિસ્તાન ઝિંદાબાદ અને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લખવામાં આવ્યા. ઇમેઇલના અંતમાં ફરી અલ્લાહુ અકબર લખાયું હતુ. ધમકી મળતા જ રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ મોડ પર છે. તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
ઈમેલ મારફતે ધમકીની અમદાવાદ શહેર પોલીસને જાણ થઈ હતી ત્યારબાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. ખાનપુર ખાતે આવેલા શહેર ભાજપ કાર્યાલયમાં પોલીસની ટીમો પહોંચી હતી અને સમગ્ર પરિસરની તપાસ શરૂ કરવામાં આવી હતી.સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ, પોલીસ ટીમ અને બોમ્બ સ્ક્વોડને પણ શહેર ભાજપ કાર્યાલય ખાતે મોકલવામાં આવ્યા હતા. સાથે જ ડોગ સ્ક્વોડની મદદથી પણ ચેકિંગ હાથ ધરાયું હતું.
સમગ્ર મામલે શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. ખાંભલાએ જણાવ્યું કે બોમ્બની ધમકી અંગે ઈમેલ મળ્યા બાદ તાત્કાલિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા ધમકીભર્યા ઈમેલને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો તે સહિતની વિગતો મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે.
