શિસ્ત સમિતિમાં ફરિયાદી અને પક્ષવિરોધી પ્રવૃત્તિના આક્ષેપિતોને સામસામે બેસાડી સુનાવણી, સસ્પેન્શન સહિતના તોળાતા પગલા
પ્રદેશ કાર્યાલયમાં શંકાસ્પદ નેતાઓની કામગીરીના ખુલાસા પૂછાયા, રજૂ થયેલા ઓડિયો-વીડિયો સહિતના પુરાવાની ચકાસણી શરૂ
ગુજરાત ભાજપમાં ફરી એકવાર શિસ્તના મામલે આકરા પ્રહારો કરવાની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષના સત્તાવાર આદેશોનું ઉલ્લંઘન કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ સામે હાઈકમાન્ડ હવે સખત કાર્યવાહી કરવાના મૂડમાં છે. આ મામલે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ’શ્રી કમલમ’ ખાતે શિસ્ત સમિતિની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં શિસ્તભંગ કરનારાઓ વિરુદ્ધ કડક શિક્ષાત્મક પગલાં લેવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, આ મહત્વપૂર્ણ બેઠકનો મુખ્ય હેતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પક્ષના સત્તાવાર ઉમેદવારોને હરાવવા અથવા તેમની વિરુદ્ધ કામ કરનારા આંતરિક તત્વો સામે આવેલી ફરિયાદોની તપાસ કરવાનો હતો. આ સુનાવણી દરમિયાન શિસ્ત સમિતિ સમક્ષ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા નેતાઓ અને તેમની સામે ફરિયાદ કરનારા ફરિયાદીઓ-એમ બંને પક્ષોને રૂબરૂ બોલાવી સામસામે બેસાડી સુનાવણી કરવામાં આવી હતી.
સમિતિ દ્વારા વાદી અને પ્રતિવાદી બંને પક્ષોની દલીલોને વિગતવાર સાંભળવામાં આવી હતી. કમલમ ખાતે હાજર રહેલા શંકાસ્પદ નેતાઓ પાસેથી તેમની શંકાસ્પદ કામગીરી અંગે ખુલાસા માંગવામાં આવ્યા હતા, ચકાસણી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે શિસ્ત સમિતિ દ્વારા આ સુનાવણીના આધારે એક વિસ્તૃત અને ગુપ્ત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટમાં કયા સ્તરના નેતા કે કાર્યકર્તાએ કયા પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, કોને મદદ કરી છે અને તેના કારણે પક્ષને કઈ બેઠકો પર કેટલું નુકસાન વેઠવું પડ્યું છે, તેની તમામ વિગતો પુરાવા સાથે આવરી લેવામાં આવશે. સમિતિ દ્વારા તૈયાર કરાયેલો આ અંતિમ રિપોર્ટ ટૂંક સમયમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખને સોંપવામાં આવશે.
સૂત્રોનું માનીએ તો, આ રિપોર્ટના તારણોના આધારે આગામી દિવસોમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કેટલાક મોટા માથાઓ અને હોદ્દેદારો સામે સસ્પેન્શન સહિતના કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે. ભાજપ આ આકરા નિર્ણયો દ્વારા પક્ષના નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓ સુધી એવો સ્પષ્ટ સંકેત આપવા માંગે છે કે પક્ષમાં શિસ્તભંગ ચલાવી લેવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં શિસ્ત સમિતિના આ રિપોર્ટના આધારે કયા-કયા જાણીતા ચહેરાઓ સામે પક્ષનું આકરું બુલડોઝર ફરે છે.
કાલે અમિત શાહની કમલમમાં સરકાર-સંગઠનની બેઠક
અષાઢી બીજના પવિત્ર દિવસે અમિત શાહ અમદાવાદ આવશે અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે રાજ્ય સરકાર અને ભાજપ સંગઠનના ટોચના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજશે. તેમના આ પ્રવાસને માત્ર ધાર્મિક કાર્યક્રમ સુધી મર્યાદિત નહીં, પરંતુ સરકાર અને સંગઠન બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક ભગવાન જગન્નાથ મંદિરે પહોંચશે. અહીં તેઓ ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરશે તેમજ પરંપરાગત મંગળા આરતીમાં સહપરિવાર હાજરી આપશે. ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પહોંચશે. અહીં તેઓ ગુજરાત સરકારના મંત્રીઓ અને ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો સાથે સંયુક્ત બેઠક કરશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ કેન્દ્ર સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણ, વિકાસલક્ષી કાર્યક્રમો, સંગઠનની કામગીરી અને આગામી સમયની રાજકીય રણનીતિ જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. ભાજપ સંગઠન માટે આગામી સમયગાળો મહત્વપૂર્ણ હોવાથી બૂથ સ્તર સુધી સંગઠનને વધુ મજબૂત બનાવવા, સભ્યતા અભિયાન, જનસંપર્ક કાર્યક્રમો અને સંગઠનની કાર્યશૈલીને વધુ અસરકારક બનાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે તેવી શક્યતા છે.
