1st july ,National Doctor’s Day: Behind the Mask: Who Heals the Healers?
એમડી માઇક્રોબાયોલોજિસ્ટ ક્ધસલ્ટન્ટ ડો.મુનિરા મહેતા ધ્યાનને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા યોજે છે હિમાલયન મેડિટેશનના નિ:શુલ્ક સેશન
બીમાર દર્દીઓની ઉર્જા સાથે સતત જોડાયેલ રહેતા ડોકટર્સને બ્લિસફુલ જીવન માટે 30 મિનિટનું નિયમિત ધ્યાન સૂચવે છે ડો.મુનિરા મહેતા
“ડોક્ટર્સ માટે અત્યારનું વાતાવરણ પ્રોફેશનલી ખૂબ જ પ્રતિકૂળ જણાઈ રહ્યું છે. પહેલાના સમયમાં ફેમિલી ડોક્ટર હતા,ડોક્ટર માટે રિસ્પેક્ટ અને કૃતજ્ઞતાની ભાવના હતી.હવે આ બધું લુપ્ત થતું જાય છે ત્યારે ડોક્ટર માટે પોતાના શરીરની સુરક્ષા પણ ચિંતાનો વિષય છે. મેડિકલ સ્ટુડન્ટ પણ તનાવપૂર્ણ વાતાવરણમાં જીવી રહ્યા છે અને સુસાઇડના અનેક કિસ્સા પણ જોવા મળી રહ્યા છે.એક રિસર્ચ એવું કહે છે કે ડોક્ટરની લાઈફ સ્પાન એટલે કે આયુષ્ય નોર્મલ માણસ કરતા ઓછું થતું જાય છે જે ચિંતાજનક છે. મારા અનુભવ પરથી કહું છું કે આ સ્ટ્રેસને ઓછું કરવા માટે મેડિટેશન એ રામબાણ ઈલાજ છે. કોઈપણ વ્યક્તિ દિવસનો ફક્ત અડધો કલાક ધ્યાન માટે આપે તો જીવન સમૂળગું બદલાઈ જાય છે”.આ શબ્દો છે ગાંધીધામના ડો.મુનિરા મહેતાના કે જેઓ ધ્યાનનો નિયમિત અભ્યાસ કરી પોતાના અને અન્યના જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રકાશ ફેલાવે છે.
જન્મ અમદાવાદમાં થયો. 12 ધોરણ સુધીનો અભ્યાસ પણ અમદાવાદમાં જ કર્યો અને ત્યારબાદ એમબીબીએસનો અભ્યાસ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં કર્યો.તેમની જન્મભૂમિ અમદાવાદ,જ્ઞાનભૂમિ રાજકોટ અને કર્મભૂમિ ગાંધીધામ છે. ગાંધીધામમાં તેઓ એમડી માઇક્રો બાયોલોજિસ્ટ ક્ધસલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે કચ્છની ખૂબ જ એડવાન્સ લેબોરેટરી ચલાવે છે.તેમના પતિ-ડો.ધૈવત મહેતા જાણીતા સાયક્યિાટ્રિસ્ટ છે.તેમને બે દીકરીઓ છે,પરિવારમાં 92 વર્ષના નાનીજી સાસુ તેમજ સાસુ,સસરા છે.ચાર પેઢી સાથે રહે છે છતાં ઘરનું વાતાવરણ સંતુલિત,શાંત અને સકારાત્મક ઉર્જાવાળું છે.આ બધાનો શ્રેય તેઓ ધ્યાનને આપે છે. પતિ પત્ની બંને તેમજ પરિવારના દરેક સભ્યો નિયમિત ધ્યાન કરે છે અને તેથી જ ઘરનાં વાતાવરણમાં મંદિર જેવી ઉર્જા અનુભવાય છે.
સામાન્ય રીતે ડોક્ટર જેવા બુદ્ધિવાદી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ધર્મ, આધ્યાત્મ સમજાવવું મુશ્કેલ હોય છે પણ ડો.મુનિરા વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સ્વાનુભવે સમજાવે છે કે ધ્યાન એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, ધ્યાનનો આવિષ્કાર વિજ્ઞાનના પાયા પર થયો છે.
ધ્યાનથી આપણા શરીરમાં અસંતુલન સર્જતા હોર્મોન્સ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે છે અને એ સંતુલિત અવસ્થામાં જે પણ કાર્ય થાય તે ભરપૂર ઉર્જાથી થાય છે જેના કારણે તે કાર્ય સર્વ શ્રેષ્ઠ રીતે સંપન્ન થાય છે.પોતાની ધ્યાનની યાત્રા વિશે તેઓ જણાવે છે કે નાનપણમાં દાદીએ આપેલ ધાર્મિક સંસ્કાર અને સ્વામિનારાયણ પંથની પૂજા, શિક્ષાપત્રીનું વાંચન, ભગવાનની પૂજા આ બધું જ જીવનમાં વણાઈ ગયું હતું.ક્યારેક મુશ્કેલ કે વિપરિત પરિસ્થિતિમાં ભગવાન સાથેનું કનેક્શન ફીલ થતું છતાં ભગવાન શું છે એ અનુભૂતિ ન હતી.મેડિકલના અભ્યાસ સમયે હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત હિમાલયન ધ્યાન સાધનાના સંપર્કમાં આવવાનું થયું. ધ્યાન કરતાં કરતાં અનુભૂતિઓ પણ થવા લાગી.પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ વખતે યાદશક્તિમાં વધારો, એકાગ્રતા,કાર્યમાં નિપૂણતા અને વર્ક લોડ વચ્ચે થાક લાગ્યા વગર ભરપૂર એનર્જીનો અનુભવ ખરેખર આશ્ચર્યકારક હતો પરંતુ સ્વાનુભવ હોવાથી સ્વીકાર સિવાય વિકલ્પ નહોતો.
અન્યનું ભલું કરવાના ડોક્ટરના સ્વભાવ મુજબ આ સકારાત્મક બદલાવ અન્ય લોકો પણ અનુભવે તે માટે પતિ-પત્ની બંને હિમાલયન મેડિટેશનના નિ:શુલ્ક સેશન,વર્કશોપ લે છે. આ ધ્યાન પદ્ધતિ પણ બિલકુલ નિ:શુલ્ક છે.અત્યાર સુધીમાં 200થી વધુ સેશન લીધા છે જેમાં ડોક્ટર, પોલીસ, શિક્ષક, વિદ્યાર્થીઓ, મહિલાઓ, આર્મી તેમજ હાલ કોર્પોરેટ વિશ્વના લોકોને ધ્યાન માટે પ્રેરિત કરે છે. ડો. મુનિરાબેન પોતાના સ્વપ્ન વિશે જણાવે છે કે નાનપણમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન હતું તે ઘણાં સંઘર્ષનો સામનો કરી પૂર્ણ કર્યું. આજે જીવનમાં બધું જ છે, કોઈ આકાંક્ષા,અપેક્ષા નથી પરંતુ જે અમે શીખ્યા, જે પોઝિટિવિટીનો અમે અનુભવ કરીએ છીએ તે આખી દુનિયા કરે એ ધ્યેય સાથે આ ધ્યાન જનજન સુધી પહોંચે એ માટે પ્રયત્નશીલ છીએ. કોઈના જીવનમાં સકારાત્મકતાનો દીવડો પ્રગટે તેનાથી રૂૂડું શું હોઈ શકે ડોક્ટર દંપતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શા માટે તબીબોએ ધ્યાન કરવું જોઈએ?
ડો.મુનિરાબેન જણાવે છે કે ડોક્ટરની કેબિનમાં જુદા જુદા પેશન્ટ આવતા હોય છે. દરેક પેશન્ટ પ્રોબ્લેમ લઈને આવે છે સાજો થઈને જાય છે. દુ:ખ લઈને આવે છે સુખ લઈને જાય છે તો એ પ્રોબ્લેમ, દુ:ખની ઉર્જા એ કેબિનમાં છોડી જાય છે, જ્યાં ડોક્ટર સતત રહે છે.આખા દિવસમાં અનેક પેશન્ટની આવી ઉર્જાથી ડોક્ટર ઘેરાયેલ રહે છે તેથી તેની સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે.આખા દિવસમાંથી માત્ર 30 મિનિટ ધ્યાન માટે ફાળવવાથી બાકીના સાડા ત્રેવીસ કલાક વધુ શાંત, સંતુલિત અને બ્લિસફુલ બની શકે છે.
આધ્યાત્મિક જગતમાં હિમાલયન ધ્યાન પદ્ધતિ છે ‘AI વર્ઝન’ સમાન
ડો.મુનિરાબેન જણાવે છે કે આજે સમાજમાં અલગ અલગ ધ્યાન પદ્ધતિઓ ઉપલબ્ધ છે જેમાં હું હિમાલયન ધ્યાન પદ્ધતિને ફોલો કરું છું. અષ્ટાંગ યોગમાં આઠ અંગ છે અને અલગ અલગ પદ્ધતિથી ધ્યાન કરાવવામાં આવે છે આ બધી ધ્યાન પદ્ધતિ વચ્ચે આધ્યાત્મિક વિશ્વમાં હિમાલયન ધ્યાન પધ્ધતિ હાલનું એઆઈ વર્ઝન કહી શકાય. જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેટેસ્ટ ટેકનોલોજી છે એ જ રીતે સમર્પણ ધ્યાનમાં પણ કોઈ ધારણા વગર લાઈફ એનર્જી ફોર્સ એટલે કે આત્માને શુદ્ધ અને પવિત્ર બનાવવા માટે કામ થાય છે. 800 વર્ષથી હિમાલયના ઋષિમુનિઓએ જુદા જુદા પ્રયોગો કરીને ધ્યાનનો આવિષ્કાર કર્યો જે સમાજમાં રહેલ દરેક વ્યક્તિ, સમાજમાં રહીને પરમાત્માની વિશ્વ ચેતના શક્તિ સાથે જોડાઈને અનુભવી શકે છે.
