રાજ્યના શહેરી વિકાસ વિભાગે છેલ્લા 15 વર્ષમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદમાં ભળેલા નવીન વિસ્તારો (આઉટ ગ્રોથ વિસ્તાર)ના વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવા માટે એસઓપી જાહેર કરી છે. જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સહાય મેળવવા વર્ષ 2026-27થી 2035-2036 સુધીનો આઉટ ગ્રોથ વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન બનાવીને વિભાગને રજૂ કરવાનો રહેશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં નાગરિકો માટે મહત્વના પ્રાથમિક જરૂૂરિયાતવાળા હોય તેવા પાણી, ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધાના કામો મુખ્યત્વે કરવાના રહેશે.
રાજ્યમાં છેલ્લા દોઢ દાયકામાં મહાનગરો અને નગરપાલિકાની હદમાં આજુબાજુના ગ્રામ્ય સહિતના અનેક વિસ્તારો ભેળવી દેવામાં આવ્યા છે. જો કે મહાનગરોના મૂળ વિસ્તાર જેવી આંતરમાળખાકીય સુવિધાઓ હજુ સુધી અનેક આઉટ ગ્રોથ વિસ્તારોમાં મળી શકી નથી. બીજી તરફ રાજ્યના શહેરોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ યોજાઇ રહી છે ત્યારે નબળી સુવિધાવાળા વિસ્તારો મહાનગરો કે નગરપાલિકાના વિકાસની સરખામણીમાં પાછળ રહી જાય છે.
જેને ધ્યાનમાં લઇને શહેરી વિકાસ વિભાગે ખાસ આઉટ ગ્રોથ ઘટક હેઠળ વિકાસ કામોની યોજના માટે ધારાધોરણ નિયત કર્યા છે. જેના કારણે જે તે મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમના આઉટ ગ્રોથ વિસ્તારમાં કામોની ગુણવત્તા, માપદંડ અને આયોજનમાં સમાનતા જળવાય અને કામો ઝડપથી થઇ શકે તે રીતે કામગીરી કરી શકશે. એટલું જ નહીં સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળવાપાત્ર થશે.
મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશર અને નગરપાલિકાના કિસ્સામાં પ્રાદેશિક કમિશનરે આગામી દસ વર્ષનો આઉટ ગ્રોથ વિસ્તારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન બનાવીને રજૂ કરવાનો રહેશે. જેમાં પ્રાથમિક જરૂૂરિયાતમાં અગ્રતાના કામોમાં પ્રથમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામોને પ્રાથમિકતા આપવાની રહેશે. તે કામો પૂર્ણ થયા બાદ સ્ટોર્મ વોટર ડ્રેનેજ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો અને તે પછી અન્ય સ્થાનિક જરૂૂરિયાતવાળા કામો કરી શકાશે. શક્ય હોય તો ઇન્ટલીંકીંગની સુવિધા મળે તેવા કામ પણ કરી શકાશે.
માસ્ટર પ્લાનમાં સૂચવેલા પ્રોજેક્ટમાંથી જે તે નાણાકીય વર્ષમાં કામોના આયોજન માટે ફાળવાતી ગ્રાન્ટ આઉટ ગ્રોથ વિસ્તારના ઘટક હેઠળ નક્કી કરાશે તે નાણાકીય સહાય મહાનગરપાલિકા, નગરપાલિકા અને સત્તા મંડળને મળવાપાત્ર રહેશે. જેમાં અ વર્ગની નગરપાલિકાને 8 કરોડ, બ વર્ગની નગરપાલિકાને 6 કરોડ, ક વર્ગની નગરપાલિકાને 4 કરોડ અને ડ વર્ગની નગરપાલિકાને 2 કરોડ રૂૂપિયા સહાય વર્ષ દીઠ મળવાપાત્ર રહેશે. આઉટ ગ્રોથ વિસ્તારમાં રસ્તાના કામોમાં પહેલા નવા રસ્તાની પસંદગી કરવાની રહેશે તે પછી જ રિસરફેસિંગના કામો માર્ગ અને મકાન વિભાગની ગાઇડ લાઇન મુજબ કરી શકાશે.
આઉટ ગ્રોથ ઘટક હેઠળ માસ્ટર પ્લાનમાં જે કામ સૂચવવામાં આવ્યા હોય તે માટે જમીન મેળવવાની જરૂૂરિયાત ઉભી થશે તો તેનો ખર્ચ જે તે મહાનગરપાલિકા કે નગરપાલિકાએ સ્વભંડોળમાંથી કરવાનો રહેશે. દરેક કામોનું જીઆઇએસ મેપિંગ ફરજીયાત કરવું પડશે. કામ માટે સૈધ્ધાંતિક મંજૂરી મળે તે પછીના બે નાણાકીય વર્ષમાં કોઇ કામ નહીં થાય તો સંબંધિત મહાનગર કે નગરપાલિકાએ વણવપરાયેલી રકમ પરત કરવી પડશે.
સરકારી યોજના અંતર્ગત કામો થઇ ગયા બાદ તેની ગુણવત્તા અંગે અનેક વખત સવાલ ઉઠતા હોય છે તેને ટાળવા માટે ગુણવત્તા નિયંત્રણ અને દેખરેખની કામગીરી ટીપીઆઇ (થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન) મારફતે કરાવવાની રહેશે. મહાનગરોમાં કમિશનર અને નગરપાલિકામાં પ્રાદેશિક કમિશનર આ માટે સૂચન કરી શકશે.
શહેરી વિકાસ વિભાગની એસઓપી મુજબ મહાનગર અને નગરપાલિકા વિસ્તારે દરખાસ્ત સાથે કેટલાક પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. જેમાં મહાનગરપાલિકા કે નગરપાલિકામાં જે કામો અન્ય કોઇ યોજનામાં સૂચવાયેલા ન હોય તેવા કામોનો સમાવેશ જ કરી શકાશે. ખાનગી સોસાયટીના રસ્તાના કામો તેમાં થઇ શકશે નહીં, જાહેર માર્ગોનો જ કામમાં સમાવેશ કરી શકાશે. આઉટ ગ્રોથ હેઠળ જે ગ્રાન્ટ મળવાપાત્ર છે તેના કરતા વધુ ખર્ચ જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા કરવામાં આવશે તો તે મળવાપાત્ર રહેશે નહીં.
