‘આ એરિયો મારો છે,’ ચૂપચાપ અહિંથી નીકળી જાવ’ રસ્તા વચ્ચે એક્ટિવા રાખી શખ્સની યુવતીને ધમકી

શહેરના ખોખડદડ પુલ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરી રહેલી એક યુવતી અને તેના માતા-પિતાને રસ્તા…

શહેરના ખોખડદડ પુલ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરી રહેલી એક યુવતી અને તેના માતા-પિતાને રસ્તા વચ્ચે એક્ટિવા ઉભું રાખી ફોન પર વાત કરતા શખ્સે અટકાવ્યા હતા. જ્યારે પરિવારે તેને સાઈડમાં ખસવા વિનંતી કરી, ત્યારે આ શખ્સે ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી હતી અને પોતાની પાસે રહેલી છરી બતાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સેજલબેન વિજયભાઈ સુરેલા નામની 25 વર્ષીય યુવતીએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, ગત તા.03/04ના રોજ રાત્રે આશરે 11:15 વાગ્યાની આસપાસ ફરિયાદી સેજલબેન, તેમની બહેન નંદિની અને તેમના માતા-પિતા જમીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન લાપસરી રોડ પર ખોખડદડ પુલ પાસે એક શખ્સ પોતાનું એક્ટિવા રસ્તાની વચ્ચે ઉભું રાખી ફોન પર વાત કરી રહ્યો હતો. સેજલબેને બે-ત્રણ વાર હોર્ન વગાડવા છતાં તે ખસ્યો નહોતો. અંતે તેમના માતાએ વિનંતી કરતા તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને “આ એરિયો મારો છે અને હું અહીં જ ઉભો રહીશ” તેમ કહી બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. જ્યારે પિતાએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે આ શખ્સે પોતાના નેફામાંથી છરી કાઢી બતાવી હતી અને ’ચૂપચાપ જતા રહો નહીતર જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.

ભયભીત થયેલો પરિવાર ત્યાંથી પસાર થઈ ગયો હતો અને બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ શખ્સ સાગર કાલીયા છે, જે અવારનવાર આવી માથાકૂટ કરતો હોય છે. આ ઘટના બાદ પરિવારે પોલીસમાં અરજી આપી હતી અને ત્યારબાદ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 352, 351(3) અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *