મેટ્રીમોનિયલ એપથી સંપર્કમાં આવેલી યુવતીએ યુવાનને હનિટ્રેપમાં ફસાવ્યો

લગ્ન પૂર્વે સંબંધ બાંધી રૂા.4.29 લાખ રોકડ અને 20 ગ્રામ સોનું પડાવી લીધાની પોલીસ કમિશનર સમક્ષ અરજી શહેરમાં મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા પરિચયમાં આવી લગ્નના બહાને…

લગ્ન પૂર્વે સંબંધ બાંધી રૂા.4.29 લાખ રોકડ અને 20 ગ્રામ સોનું પડાવી લીધાની પોલીસ કમિશનર સમક્ષ અરજી

શહેરમાં મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા પરિચયમાં આવી લગ્નના બહાને યુવક સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. આ મામલે ભોગ બનનાર યુવકે પોલીસ કમિશ્નર સમક્ષ અરજી કરી ન્યાય માટે રજૂઆત કરી છે.યુવતીએ રૂૂ.4.29 લાખ રોકડા અને 20 ગ્રામ સોનું પડાવી લઇ દુષ્કર્મના કેસ માં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી હતી.
150 ફૂટ રીંગ રોડ પર રહેતા કેયુર જયેશભાઈ જોષી નામના યુવકે રાજકોટ પોલીસ કમિશનર કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

યુવકનો આરોપ છે કે, એ યુવતીની યુવતીએ તેની સાથે હનીટ્રેપ રચી કુલ રૂૂ. 4,29,000 રોકડા અને 20 ગ્રામ સોનું ઓળવી લીધું છે. ફરિયાદની વિગતો મુજબ, જૂન 2024માં ’જીવનસાથી’ મેટ્રિમોનિયલ એપ્લિકેશન દ્વારા કેયુરનો સંપર્ક યુવતી સાથે થયો હતો. યુવતીએ પોતે ડિવોર્સી હોવાનું જણાવી કેયુર સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિશ્વાસમાં લીધા બાદ યુવતીએ અલગ-અલગ બહાના હેઠળ કેયુર પાસેથી સમયાંતરે નાણાં પડાવવાનું શરૂૂ કર્યું હતું.

કેયુરના જણાવ્યા મુજબ, તેની પાસે રોકડ રકમ ન હોવા છતાં યુવતીએ ઈમોશનલ બ્લેકમેલ કરી તેનું 20 ગ્રામ સોનું મેળવી લીધું હતું અને તેના પર ડીસીબી બેંકમાંથી લોન લીધી હતી. જ્યારે કેયુરે પોતાના રૂૂપિયા અને સોનાની પરત માંગણી કરી, ત્યારે યુવતીએ ઝઘડો કરી તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાનું શરૂૂ કર્યું હતું. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, યુવતીના મોબાઈલ સ્ટેટસમાં તેણે એક વ્યક્તિનું નામ ’પતિ’ તરીકે રાખ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે ખ્યાતી અન્ય પુરુષો સાથે પણ અનૈતિક સંબંધો ધરાવે છે અને તે માત્ર પૈસા પડાવવા માટે જ નિર્દોષ લોકોને નિશાન બનાવે છે. આ કાવતરામાં તેની સહેલી પણ સક્રિયપણે સામેલ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેયુર દ્વારા અગાઉ કરવામાં આવેલી રજૂઆતો બાદ યુવતીએ રૂૂપિયા પરત આપવાની ખાતરી આપી પ્રોમીસરી નોટ લખી આપી હતી અને ચેક પણ આપ્યા હતા. જોકે, આ ચેક બેંકમાંથી પરત (બાઉન્સ) થતા કેયુરે રાજકોટ કોર્ટમાં ફોજદારી કેસ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આગામી સુનાવણી 25 મે 2026 ના રોજ નિયત કરવામાં આવી છે.

કેયુર જોષીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવતી અને તેની સહેલી તેને અને તેના પરિવારને બદનામ કરવાની અને ખોટા કેસમાં ફસાવવાની સતત ધમકીઓ આપી રહ્યા છે. તેણે પોલીસ કમિશનરને નમ્ર અરજ કરી છે કે, આ બંને મહિલાઓ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 316, 318, 351(2), 352, 308, 61(2) તથા હનીટ્રેપના ગુના હેઠળ એફ.આઈ.આર. નોંધી કડક પગલાં લેવામાં આવે. યુવકે પુરાવા તરીકે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ, કોલ રેકોર્ડિંગ્સ અને બેંકના દસ્તાવેજો સહિતની પેનડ્રાઈવ પણ પોલીસને સુપરત કરી છે. હાલ રાજકોટ પોલીસે આ લેખિત અરજીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *