જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જમીનના દસ્તાવેજ અને નાણાંકીય વ્યવહારને લગતી વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા રાજકોટના અલ્પેશભાઈ ગોપાલભાઈ દોંગા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે. અગાઉની ફરિયાદો બાદ અલ્પેશ દોંગા સામે કાલાવડ પંથકમાં નોંધાયેલી આ ત્રીજી ફરિયાદ હોવાનું જાણવા મળ્યું છે.
કાલાવડ ટાઉન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ગોંડલ ખાતે રહેતા અને મૂળ કાલાવડ તાલુકાના માખાકરોડ ગામના ધનજીભાઈ હીરાભાઈ મોરીએ જણાવ્યું છે કે, જાન્યુઆરી 2022થી જુલાઈ 2022 દરમિયાન તેમની નાણાકીય મુશ્કેલી અને લાચારીનો ગેરલાભ લઈ અલ્પેશભાઈ દોંગા સહિતના આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી તેમની ખેતીની જમીનના દસ્તાવેજ કરાવ્યા હતા.
ફરિયાદ મુજબ, અલ્પેશભાઈ દોંગાએ ફરિયાદીને રાજકોટ ખાતેની ‘પટેલ ઇન્વેસ્ટમેન્ટ’ની ઓફિસે બોલાવી માખાકરોડ ગામની ખેતીની જમીનનો સુરક્ષા પેટે દસ્તાવેજ કરાવડાવ્યો હતો. ત્યારબાદ ફરિયાદી પાસેથી ત્રણ ટકા માસિક વ્યાજે રૂૂ.48 હજારની ઉઘરાણી કરી વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ ઉપરાંત ફરિયાદ મુજબ, જમીનનો દસ્તાવેજ આરોપી ભારતીબેન રમેશભાઈ પરસાણાના નામે કરાવવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી અમીતભાઈ પટેલે જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી પાસેથી એચડીએફસી બેંકનો કોરો ચેક બળજબરીથી લઈ લીધો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, પ્રથમ દસ્તાવેજ રદ કરાવી આપવાના બહાને ફરિયાદીની ખેતીની જમીનનો બીજો દસ્તાવેજ આરોપી બાબુભાઈ નરશીભાઈ રામાણીના નામે કરાવવામાં આવ્યો હતો. આમ, તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે કાલાવડ ટાઉન પોલીસે અલ્પેશભાઈ ગોપાલભાઈ દોંગા, અમીતભાઈ પટેલ, નીમેષભાઈ બાબુભાઈ રામાણી, બાબુભાઈ નરશીભાઈ રામાણી અને ભારતીબેન રમેશભાઈ પરસાણા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આઈપીસીની કલમ 409, 386, 506(2), 120(બી), 34 તથા ગુજરાત નાણા ધિરધાર અધિનિયમની કલમ 5, 39 અને 42 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
