પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થિત સંચાલન કરીને અનેક મહિલાને રોજગારી પૂરી પાડતા રાજીબેને વેસ્ટ ટુ વેલ્થના સિદ્ધાંતને બનાવ્યો છે જીવંત
રાજીબેને વેસ્ટ પ્લાસ્ટિકને રિસાઇકલ કરી બનાવેલ બેગ, સાદડી, શોપિંગ બેગ, ચશ્માના કવર, વોટર બોટલ કવર, પર્સ જેવી અનેક વસ્તુઓ પહોંચી છે દેશ-વિદેશમાં
વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે પ્લાસ્ટિક બચાવી પર્યાવરણ સુરક્ષા માટે અનેક લોકો કામગીરી કરી રહ્યા છે. ઘણી વખત ઉપદેશની બદલે ઉપાય અને સલાહના બદલે સહયોગ આપવામાં આવે તો અસરકારક પરિણામ મળી શકે. આ વાતનો અમલ કરતા પ્લાસ્ટિકના કચરામાંથી સુંદર કલાત્મક વસ્તુ બનાવીને પર્યાવરણની રક્ષા કરે છે કચ્છના રાજીબેન વણકર. તેઓ પોતે તો આત્મનિર્ભર બન્યા જ છે પરંતુ અન્ય મહિલાઓને પણ પગભર બનાવીને સ્ત્રી સશક્તિકરણનું તેઓ જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. તેમનું નામ દેશ વિદેશમાં ખૂબ જાણીતું છે. પર્યાવરણ સુરક્ષામાં તો તેમનો અમૂલ્ય ફાળો છે જ સાથે સાથે બહેનોને આત્મનિર્ભર બનાવવી, બચતનું મહત્વ સમજાવવું, શિક્ષણ અને આત્મવિશ્વાસ અંગે પણ જાગૃત કરવાનું કામ કરે છે.
રાજીબેનનો જન્મ ભુજ તાલુકાના કોટાય ગામમાં થયો. પરિવારમાં માતા-પિતા, છ બહેનો અને એક ભાઈ સાથે બાળપણ સંઘર્ષમય વીત્યું. મોટો પરિવાર અને નાનકડી આવક હોવાના કારણે અભ્યાસ છોડી માતા સાથે મજૂરી કામ કરવા જતા. મોટી બે બહેનોના લગ્ન પછી આર્થિક સ્થિતિ ખરાબ થતા પિતાથી છુપાઈને ભાઈઓ પાસે વણાટ કામ શીખ્યા. 18 વર્ષની ઉંમરે તેમના પણ લગ્ન થયા અને વણાટ કામ કરવાનું સ્વપ્ન તૂટી ગયું. લગ્ન પછી રાજીબેન સાસરે પહોંચે તે પહેલા જ જાણે તેમનું નસીબ પહોંચી ગયું અને ત્યાં પણ સંઘર્ષ ચાલુ જ રહ્યો. લગ્ન પછી ત્રણ બાળકોનો જન્મ થયો અને દસકો પસાર થયો ત્યાં પતિનું અવસાન થતાં ફરી મુશ્કેલીઓની હારમાળા શરૂ થઈ. ઘરની બહાર કામ કરવાની છૂટ નહોતી અને બાળકોનો ઉછેર કરવાનો હતો તેથી તેઓ મોટી બહેનને ત્યાં અવધનગર ગયા અને એક કંપનીમાં શ્રમિક તરીકે નોકરી કરવા લાગ્યા. આ દરમિયાન તેઓ કુકમાની ખમીર નામની સંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ કુળદેવી કૃપા સખી મંડળની સ્થાપના કરી. જીવનના ઝંઝાવાતનો હાર્યા વિના સામનો કર્યો.
ભૂકંપ પછી કચ્છની કલા કારીગરીને જોવા, શીખવા દેશ-વિદેશના અનેક ડિઝાઈનરો આવતા એ સમય દરમિયાન ફ્રેંચ ડિઝાઇનર કેટલ ગિલબર્ટએ ખમીર સંસ્થાની મુલાકાત લીધી અને રાજીબેનના કામથી પ્રભાવિત થઈ તેમને વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વણાટ કામ કઈ રીતે થાય તે શીખવ્યું. અત્યાર સુધી ભરતકામમાં રેશમી દોરા અને વણાટકામમાં ઊનના દોરાનો ઉપયોગ થતો જ્યારે રાજીબેને પ્લાસ્ટિકના વેસ્ટમાંથી વસ્તુ બનાવવાનું શરૂ કર્યુ.
આ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો આ બાબત તેઓ જણાવે છે કે પ્લાસ્ટિક વણાટ દ્વારા જુદી જુદી ચીજ વસ્તુઓ તો બનાવવા લાગ્યા પરંતુ માર્કેટિંગના નોલેજનો અભાવ હતો. અમદાવાદના નિલેશ પ્રિયદર્શી જે કારીગર ક્લિનિક નામની બિઝનેસ ક્ધસલ્ટન્સી ચલાવે છે તે મદદે આવ્યા અને આમ પ્લાસ્ટિક કચરામાંથી બનાવેલ કલાત્મક વસ્તુઓ દેશ-વિદેશમાં પહોંચવા લાગી. દેશના જુદા-જુદા શહેરોમાં યોજતા વર્કશોપમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું તેમજ એક્ઝિબિશન અને ફેસ્ટિવલમાં પણ અમારી પ્રોડક્ટ મૂકવા લાગ્યા. અન્ય મહિલાઓ પણ પગભર બની શકે તે હેતુથી આ કામમાં અન્ય મહિલાઓને પણ જોડી. ગામમાંથી પ્લાસ્ટિક કચરો લાવવો, તેની સફાઈ કરવી, સુકવણી કરવી અને રંગોના આધારે અલગ કરવાની કામગીરીમાં અનેક બહેનો જોડાયા. 75 જેટલી પ્લાસ્ટિકની થેલીઓ રિસાઇકલ થાય ત્યારે એક થેલી બને છે. હાલમાં આવા દોરાથી અનેક પ્લાસ્ટિકની પ્રોડક્ટ બની રહી છે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થિત સંચાલન કરીને રાજીબેને વેસ્ટ ટુ વેલ્થના સિદ્ધાંતને જીવંત રૂપ આપ્યું. તેમણે વેસ્ટ પ્લાસ્ટિકને રિસાયકલ કરી બેગ, સાદડી, શોપિંગ બેગ, ઓફિસ બેગ, ટ્રે, ચશ્માના કવર, વોટર બોટલ કવર, પર્સ જેવી અનેક ઉપયોગી વસ્તુઓ બનાવી. તેઓએ ફક્ત પોતાના પરિવારને નહીં પરંતુ અનેક ગ્રામીણ મહિલાઓને રોજગારી પૂરી પાડી આત્મસન્માનની ભેટ આપી છે. આજના ટેકનોલોજીના જમાનામાં તેમણે બનાવેલ વસ્તુઓ હવે ઓનલાઇન પણ વેચાવા લાગી છે. ભારતના દિલ્હી, મુંબઈ, બેંગલોર જેવા મોટા શહેરોથી લઈને તેમની પ્રોડક્ટ વિદેશમાં લંડન સુધી પહોંચી છે. તેઓને એ વાતનો સંતોષ છે કે પોતાની કામગીરીથી સ્વચ્છતાની સાથે પર્યાવરણની જાળવણી થાય છે અને લોકોમાં પણ જાગૃતતા આવે છે. આજે તેઓ 50થી વધુ મહિલાને રોજગારી પૂરી પાડે છે તેમજ એક લાખથી વધુ વેસ્ટ પ્લાસ્ટિકના ઝબલા રિસાઇકલ કરીને પર્યાવરણ સુરક્ષાની મિસાલ બન્યા છે.
આ રીતે પ્લાસ્ટિકમાંથી બને છે ઉપયોગી વસ્તુઓ
રીસાઇક્લિગંની સમગ્ર પ્રક્રિયા સમજાવતા તેઓએ જણાવ્યું કે ચાર તબક્કામાંથી આ પ્રક્રિયા પસાર થાય છે. સૌથી પહેલા નકામું પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવે છે ત્યારબાદ પ્લાસ્ટિકની સફાઈ કરીને સૂકવવામાં આવે છે. તેને સૂકવ્યા બાદ કલર પ્રમાણે પ્લાસ્ટિકની પટ્ટીઓ કાપવામાં આવે છે જેમાંથી અલગ અલગ રંગોના તાંતણા જુદા કરવામાં આવે છે અને ત્યારબાદ તે દોરીમાંથી વણાટકામ કરીને જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે.
પર્યાવરણ સુરક્ષા બદલ અનેક પુરસ્કારો
સરકારની જુદી જુદી યોજનાઓની મદદ લઈને આજે બીજી મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે ત્યારે રાજીબેનની નોંધપાત્ર કામગીરી બદલ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા. આ ઉપરાંત 2021માં નારી એવોર્ડ, જીએલપીસી સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ, નાબાર્ડ તથા વુમન એક્સિલન્સ એવોર્ડનો પણ સમાવેશ થાય છે.
