વિશ્ર્વભરમાં ક્રુડ ઓઈલની કટોકટી સર્જાશે, મોંઘવારીનો બોંબ ફાટશે

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હુમલા કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોઈ પણ કિંમતે ઈરાનને પરમાણુ શક્તિ બનવા…

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હુમલા કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોઈ પણ કિંમતે ઈરાનને પરમાણુ શક્તિ બનવા દેશે નહીં. આ હુમલાઓમાં ઈરાનના રાષ્ટ્રપતિ ભવન, ગુપ્તચર એજન્સીઓ અને સૈન્ય સ્થળો સહિત 30થી વધુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. આના જવાબમાં ઈરાને પણ ઇઝરાયલ પર પલટવાર કર્યો છે, જે હવે પૂર્ણ યુદ્ધમાં પરિવર્તિત થઈ રહ્યો છે. આ તણાવ વિશ્વ માટે, ખાસ કરીને ભારત માટે મોટી ચિંતાનું કારણ બની રહ્યો છે, કારણ કે તે ક્રૂડ ઓઈલના પુરવઠા અને કિંમતોને સીધી અસર કરી શકે છે.

હોર્મુઝની ખાડી (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ છે, જેમાંથી વિશ્વના 20 ટકા ક્રૂડ ઓઈલ અને ઉત્પાદનો પસાર થાય છે. આ માર્ગ ઈરાનના નિયંત્રણ હેઠળ છે અને તેમાંથી ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયાઈ દેશો માટે 40 ટકાથી વધુ તેલ આવે છે. જો ઈરાન આ માર્ગને બંધ કરે તો વિશ્વની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે. ભારત માટે આ વધુ ચિંતાજનક છે, કારણ કે ભારત તેની તેલ જરૂૂરિયાતના 85-90 ટકા આયાત કરે છે અને તેમાંથી 50 ટકાથી વધુ હોર્મુઝ માર્ગેથી આવે છે.

તાજેતરના આંકડા અનુસાર, 24 ફેબ્રુઆરી સુધીમાં ભારતે ખાડી દેશોમાંથી દરરોજ લગભગ 2.6 મિલિયન બેરલ તેલનું આયાત કર્યું છે. અમેરિકાના એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના અહેવાલ મુજબ, 2024માં હોર્મુઝમાંથી પસાર થતા તેલ અને ગેસના 69 ટકા હિસ્સા છે. આ તણાવને કારણે તેલના પુરવઠામાં અડચણ, વહાણવટા અને વીમા ખર્ચમાં વધારો થઈ શકે છે, જેનાથી ભારતના તેલ આયાતની કિંમત વધશે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈને મોંઘવારી વધી શકે છે.

જોકે, ભારતે તેલ પુરવઠામાં વિવિધતા લાવી છે. હવે ભારત રશિયા, ઇરાક, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ અને મધ્ય અમેરિકા, અમેરિકા, કુવૈત, મધ્ય પૂર્વના અન્ય દેશો, મેક્સિકો, યુરોપ, ઉત્તર આફ્રિકા, એશિયા પેસિફિક અને કેનેડા જેવા દેશોમાંથી તેલ આયાત કરી રહ્યું છે. પરંતુ હોર્મુઝની મહત્વપૂર્ણ ભૂમિકાને કારણે આ તણાવ ભારતની અર્થવ્યવસ્થા માટે મોટો પડકાર બની શકે છે.

આ યુદ્ધને કારણે વિશ્વભરમાં તેલની કિંમતોમાં તીવ્ર વધારો થઈ શકે છે અને પુરવઠા શૃંખલામાં અડચણ આવી શકે છે. નિષ્ણાતોના મતે, હોર્મુઝ જેવા સંવેદનશીલ માર્ગમાં કોઈ પણ અડચણ વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે, અને ભારત જેવા તેલ આયાતકાર દેશોને વધુ અસર થશે. ભારત સરકારને આ સ્થિતિ પર નજર રાખવી પડશે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી પડશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *