કાંગશીયાળીમાં રાજકોટના કારખાનેદારના કારખાનામાંથી રૂપિયા 15 લાખની ચોરી

કાંગશીયાળી ગામની સીમમાં રાજકોટના કારખાનેદારના કારખાનાને દિવાળીના તહેવારોની રજા દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. અજાણ્યા બે શખ્સોએ કંપનીમાં પ્રવેશી રૂૂ.15 લાખની કિંમતના…

કાંગશીયાળી ગામની સીમમાં રાજકોટના કારખાનેદારના કારખાનાને દિવાળીના તહેવારોની રજા દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. અજાણ્યા બે શખ્સોએ કંપનીમાં પ્રવેશી રૂૂ.15 લાખની કિંમતના કાર્બાઇડ રોડ અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂૂ.15,05,000 ના મુદ્દામાલની ચોરી કરી જતા આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલી સુરભી રેસીડન્સીમાં રહેતા અને મૂળ અમરેલીના વતની 24 વર્ષીય વેપારી મિતાંશુ અશોકભાઈ નાકરાણી કાંગશીયાળી ખાતે ’મેકલેન પ્રીસીજન પ્રા.લિ.’ નામની કંપની ચલાવે છે. દિવાળીના તહેવાર નિમિત્તે ગત તા. 06/11/2026 ના રોજ કંપનીના કર્મચારીઓને તા. 14/11/2026 સુધી રજા આપવામાં આવી હતી. કંપનીના મુખ્ય દરવાજાને તાળું મારી મિતાંશુભાઈ અને તેમનો પરિવાર વતન અમરેલી ગયા હતા.

દરમિયાન, તા. 11/11/2026 ના રોજ સાંજે મિતાંશુભાઈના નાના ભાઈ જીલભાઈએ પોતાના મોબાઈલ ફોનમાં કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરતાં પાછળનું શટર ખુલ્લું જોવા મળ્યું હતું. કેમેરાના ફૂટેજ રીવાઇન્ડ કરીને તપાસ કરતાં જણાયું હતું કે, તા. 10/11/2026 ના રોજ વહેલી સવારે આશરે 4:00 વાગ્યાના સુમારે બે અજાણ્યા શખ્સો કંપનીના શટર પાસે રહેલી સીડી વાટે ઉપર ચડ્યા હતા. તેમાંથી એક શખ્સે તાળું માર્યા વગરનું પાછળનું શટર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો.

તસ્કરોએ કંપનીની ઓફિસ અને મશીન રૂૂમમાં રાખેલા વી.એમ.સી. મશીનના ટુલ્સ બનાવવા માટેના 3 એમ.એમ. થી 18 એમ.એમ. માપના કુલ 157 નંગ કાર્બાઇડ રોડ તેમજ આશરે 15 કિલોગ્રામ કટીંગ રોડના ટુકડા કિંમત આશરે રૂૂ.15 લાખ અને ઓફિસના ડ્રોવરમાં રાખેલો રૂૂ.5,000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂૂ.15,05,000 ની મતાની ચોરી કરી હતી. આ ઘટના અંગે મિતાંશુભાઈએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.આર આર.બી. રાણા સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *