રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ,5 દર્દીને વધુ સારવાર અર્થે દાખલ કરાયા
પ્રકાશ અને ઉલ્લાસના પર્વ દિવાળીની ઉજવણી દરમિયાન સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ફટાકડા ફોડતી વખતે દાઝી જવાની સંખ્યાબંધ ઘટનાઓ સામે આવી છે. તહેવારના ભારે ઉત્સાહ વચ્ચે રાખવામાં આવેલી સામાન્ય બેદરકારીના કારણે નાના બાળકો સહિત કુલ 105 લોકો ફટાકડાની ઝપેટમાં આવી જતાં દાઝી ગયા હતા.
દાઝી ગયેલા આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તહેવારને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ પહેલેથી જ એલર્ટ મોડ પર હોવાથી તમામ દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ 105 લોકોમાંથી 100 લોકોની ઈજા સામાન્ય પ્રકારની હોવાથી તેમને જરૂૂરી પ્રાથમિક સારવાર અને દવાઓ આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જોકે, અન્ય 5 લોકો વધુ પ્રમાણમાં દાઝ્યા હોવાથી તેમને તબીબોની દેખરેખ હેઠળ વધુ સારવાર અર્થે હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ, સમગ્ર દિવાળીના તહેવાર દરમિયાન ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમ પણ સતત દોડતી રહી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી દાઝી જવાના કોલ મળતા જ 108ની ટીમે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સમયસર સિવિલ હોસ્પિટલ પહોંચાડીને ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરી હતી.તબિબી અધિક્ષક ડો. કમલસિંહ ડોડીયા, આરએમઓ ડો. હર્ષદ દુસરાની રાહબરીમાં બર્ન્સ વિભાગમાં તબિબો, નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ સતત તૈનાત રહી ફટાકડાથી દાઝીને આવનારા લોકોને તુરંત સારવાર આપી હતી
કચરામાંથી મળેલા સુતળી બોમ્બમાં ધડાકો થતા બાળક દાઝયો
મોરબીના બેલા ગામે બાલાજી કારખાના પાસે રહેતાં અને ત્યાં કામ કરતાં મુળ એમપીના ગુલસિંગ દેવરાનો દિકરો યુવરાજ (ઉ.વ.10) ગુરૂૂવારે સાંજે ચારેક વાગ્યે ઘર પાસે રમતો હતો ત્યારે કચરામાંથી એક સુતળી બોમ્બ મળતાં તે દિવાસળી પ્રગટાવીને ફોડતાં ધડાકો થતાં મોઢા, શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવરાજ ત્રણ બહેન અને બે ભાઇમાં ત્રીજો છે.રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બર્ન્સ વોર્ડમાં દિવાળીના તહેવાર નિમીતે ફટાકડા ફોડતી વખતે દાઝી જનારા લોકો માટે સારવારની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
