શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકના પાછળના વિસ્તારમાં એક સપ્તાહમાં બનેલી ચોરીની બે ઘટનામાં દુબઈ રહેતા મૂળ રાજકોટના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ત્યાં બનેલી રૂ.6.37 લાખની ચોરીના બનાવનો ભેદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી નાખી બે રીઢા તસ્કરને ઝડપી લઇ રૂ.11.47 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે.બન્ને શખ્સો સ્કોર્પિયો ભાડે લઇ ચોરી કરવા આવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
ગાંધીગ્રામ પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી.જેમાં પ્રથમ બનાવમાં મૂળ રાજકોટના સૌરાષ્ટ્ર કલા-કેન્દ્ર માં રહેતા દુબઈ ખાતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા નિલેશકુમાર મોહનલાલ જારીયા એ ફરિયાદ નોંધાવી હતી, જેઓ. તેઓ પરિવાર સાથે રાજકોટ ખાતે લગ્નપ્રસંગે આવ્યા બાદ ગત તા. 26/02/2026 ના રોજ પોતાના મકાનને લોક મારીને પરત યુ.એ.ઈ. જતા રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા ચોરે તેમના બંધ મકાનના તાળા તોડી તિજોરીમાંથી 14 ગ્રામ સોનાના બિસ્કિટ, રોકડા રૂ. 4,75,000 અને સેમસંગ કંપનીનું 55 ઈંચનું એલ.ઈ.ડી. ટીવી મળી કુલ રૂ. 5,75,000 ની મતાની ચોરી કરી હતી.
જ્યારે આ જ વિસ્તારમાં થયેલ બીજી ઘરફોડ ચોરીમાં ના બીજા બનાવમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાછળ 150 ફૂટ રીંગ રોડ પર, મોદી સ્કૂલની પાછળ, શ્રી મન વજન હોલની બાજુમાં આવેલા નૂતન મકાનની સામે રહેતા ઈશ્વરભાઈ પટેલના ઘરે ચોરીનો બનાવ બન્યો હતો. ઈશ્વરભાઈ પટેલના ધર્મેન્દ્ર રોડ ખાતે હસમુખલાલ એન્ડ બ્રધ” નામથી પાનનો હોલસેલનો વેપાર કરે છે. પરીવારમાં પત્ની રીનાબેન અને મારી દિકરી શ્વેતા બન્ને યુ.એસ. ખાતે રહે છે અને દીકરો મીત કેનેડા ખાતે રહે છે પોતે રાજકોટ એકલા રહે છે. ઈશ્વરભાઈ પટેલના ઘરે લોખંડના લોકરમાંથી જુદા-જુદા દરની ચલણી નોટો તેમજ દાગીના સહિત કુલ રૂપિયા 62,100 ની મતાની ચોરી થઇ હતી.
આ ચોરીમાં સંડોવાયેલા બે શખ્સોને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ બે મોટી ઘરફોડ ચોરીના વણ ઉકેલાયેલા ગુન્હાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો. બાતમીના આધારે સ્કોર્પીયો કાર સાથે શંકાસ્પદ હાલતમાં ફરતા બે ઇસમોને અટકાવીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપીઓની જામનગર રોડ પર આવેલી બી.એ.ડાંગર કોલેજ પાછળ, 25 વારીયા ક્વાર્ટર શેરી નં. 02 ના રહેતા ઋત્વિક ઉર્ફે શક્તિભાઇ ભરતભાઇ દુધૈયા (ઉંમર વર્ષ 26) અને રત્નદીપસિંહ ભરતસિંહ પરમાર (ઉંમર વર્ષ 23) હોવાનું જાણવા મળ્યું હતું.
આ બંને આરોપીઓએ ચોરીની કબુલાત આપી હતી. બન્ને પાસેથી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, ટીવી તેમજ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પીયો કાર સહિત કુલ રૂપિયા 11,47,234 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક,ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસીયાની સુચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.પી.ઝાલાની ટીમના એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, સમીરભાઇ શેખ, કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, અમિતભાઇ ટુંડીયા,હરસુખભાઇ સબાડ, અરવિંદકુમાર ફતેપરા,મહાવીરસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, જીલુભાઇ ગળચર, પોપટભાઇ ગમારા દ્રારા કામગીરી કરવામાં આવી હતી.
