‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!

14 હજારના મોબાઈલ અને રોકડ મુદ્દે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું ઝપાઝપીમાં બંને ખાડામાં પડ્યા, જ્યાં દિનેશ ગંભીર ઇજાઓને કારણે ઉભો…

14 હજારના મોબાઈલ અને રોકડ મુદ્દે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું

ઝપાઝપીમાં બંને ખાડામાં પડ્યા, જ્યાં દિનેશ ગંભીર ઇજાઓને કારણે ઉભો થઈ ન શક્યો અને દમ તોડી દીધો

વાવડી રોડ પર તાજેતરમાં બનેલી પરપ્રાંતીય યુવકની હત્યા અને તેના મિત્ર પર થયેલા જીવલેણ હુમલાની ઘટનામાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. શરૂૂઆતમાં આ ઘટના ‘લૂંટ વિથ મર્ડર’ હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે.

આ સમગ્ર કાંડ માત્ર 14 હજાર રૂૂપિયાના નવા મોબાઈલ ફોન અને રોકડ રકમના વિવાદને કારણે સર્જાયો હોવાનું ખુલ્યું છે. બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો બિચક્યો કે બંનેએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો, જેમાં 29 વર્ષીય દિનેશકુમાર શિવશંકરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેનો મિત્ર સંતોષકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનામાં તાલુકા પોલીસના પીઆઇ મેઘાણી,એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે મૃતક અને ઇજાગ્રસ્તના કપડાં પર રહેલા દાગ પરથી તેમજ ટેક્નિકલ સોર્સ ને સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.
ઘટનાની વિગત મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને મવડી વિસ્તારમાં મજુરી કામ કરતા રાકેશકુમારએ તાલુકા પોલીસ મથકમાં સંતોષકુમાર બુદુનલાલ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક દિનેશ અને આરોપી સંતોષ બંને ગાઢ મિત્રો હતા. ગત સાંજે બંને કપડાની ખરીદી કરવા ગયા હતા, ત્યારે સંતોષે પોતાનો નવો મોબાઈલ અને 5,500 રૂૂપિયાની રોકડ રકમ સાચવવા માટે દિનેશને આપી હતી.

રાત્રે અંદાજે ત્રણ વાગ્યે દિનેશે સંતોષના રૂૂમે જઈને જણાવ્યું કે તેનો મોબાઈલ રસ્તામાં ક્યાંક પડી ગયો છે. આથી બંને મિત્રો રાત્રિના અંધકારમાં મોબાઈલ શોધવા માટે વાવડી રોડ પર નીકળ્યા હતા. કાળ ભૈરવ દાદાના મંદિર પાસે પહોંચતા જ સંતોષે પોતાની અમાનત પાછી માંગી હતી, જે બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો શરૂૂ થયો હતો.

ઝઘડો ઉગ્ર બનતા દિનેશે સંતોષને ફડાકા માર્યા હતા, જેના ઉશ્કેરાટમાં આવી સંતોષે પોતાની પાસે રહેલી છરી વડે દિનેશના હાથ પર ઘા કર્યો હતો. વળતા પ્રહારમાં દિનેશે સંતોષ પાસેથી છરી ઝૂંટવી લીધી અને તેના પેટ તથા પડખાના ભાગે પાંચથી છ ઘા ઝીંકી દીધા હતા. આ ઝપાઝપીમાં બંને રસ્તાની સાઈડમાં આવેલા ખાડામાં પડ્યા હતા, જ્યાં દિનેશ ગંભીર ઇજાઓને કારણે ઉભો થઈ શક્યો ન હતો અને દમ તોડી દીધો હતો.

બીજી તરફ લોહીલુહાણ હાલતમાં સંતોષે રોડ પર આવી બૂમાબૂમ કરતા 108 મારફતે તેને હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સંતોષે શરૂૂઆતમાં લૂંટની ખોટી વાત કરી હતી, પરંતુ કડક પૂછપરછમાં તેણે સત્ય કબૂલી લીધું હતું.

આ બનાવ અંગે એસીપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા પોલીસના પીઆઇ મેઘાણી,રાઇટર કાનાભાઈ આહીર અને સ્ટાફે બંને પક્ષોની રજૂઆત સાંભળી ગુનો દાખલ કર્યો છે. ઇજાગ્રસ્ત આરોપી સંતોષકુમાર સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે મૃતક દિનેશકુમાર સામે પણ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *