નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલા મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ ક્લાસરૂૂમમાં એક વિદ્યાર્થી અચાનક જ ધૂણતો હોય તે રીતે ધ્રૂજવા લાગ્યો હતો. તેને જોઈને શાળાના અન્ય 11 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ આ જ પ્રકારે ધ્રૂજવા લાગ્યા હતા. એકસાથે આટલા બધા બાળકોને વિચિત્ર હરકતો કરતા જોઈને શાળાના શિક્ષકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને શરૂૂઆતમાં અનેક તર્ક-વિતર્કો અને અફવાઓ વહેતી થઈ હતી, પરંતુ તબીબી તપાસમાં તમામ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાના 8 દિવસ બાદ એક 18 સેક્ધડનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક ચોંકાવનારા દ્રશ્યો જોવા મળે છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વિદ્યાર્થીને જમીન પર સૂવડાવી દેવામાં આવ્યો છે અને તેનું માથું અન્ય એક વિદ્યાર્થિનીના ખોળામાં છે. ચારથી પાંચ વિદ્યાર્થીઓએ તેના હાથ-પગ પકડી રાખ્યા હોવા છતાં તે માથું ઉપર-નીચે કરવા સહિતની વિચિત્ર મૂવમેન્ટ કરી રહ્યો છે. અન્ય એક દ્રશ્યમાં એક વિદ્યાર્થીને ઉભો રાખીને ચાર-પાંચ જણાએ પકડી રાખ્યો હોવા છતાં તે ધૂણતો હોય તેવી હરકતો કરતો દેખાય છે. કેટલીક વિદ્યાર્થિનીઓને પણ જમીન પર સૂવડાવેલી અને રડતી અવસ્થામાં જોઈ શકાય છે, જેમના શરીરની પણ અલગ જ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી હતી.
બાળકોની આ સ્થિતિ જોઈને શાળાના મુખ્ય શિક્ષકને ફૂડ પોઈઝનિંગની આશંકા જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને પહેલા ડેડિયાપાડા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના ઓબ્ઝર્વેશન બાદ જાણવા મળ્યું હતું કે કોઈ પણ બાળકને ઝાડા, ઉલટી કે પેટમાં દુખાવાની કોઈ જ સમસ્યા ન હતી.
બીજી તરફ, શાળાના શિક્ષિકા કલ્પનાબેન વસાવાએ આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે એક વિદ્યાર્થિનીને અને ત્યારબાદ આઠમા ધોરણના એક વિદ્યાર્થીને ’હનુમાન દાદાનો પવન’ આવતા આ સ્થિતિ સર્જાઈ હતી, જેને શિક્ષકોએ સેવાચાકરી કરી શાંત પાડ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે શાળા મંડળને બદનામ કરવા માટે કેટલાક લોકોએ અફવા ફેલાવી હતી, બાકી શાળામાં બાળકોને ઓર્ગેનિક શાકભાજી જ ખવડાવવામાં આવે છે અને કોઈ જ ફૂડ પોઈઝનિંગ થયું ન હતું.
