જે સંસ્થાએ તેમને શિસ્ત, સેવા અને સંસ્કારનું ભાથું આપ્યું, એ જ સંસ્થામાં પ્રિન્સિપાલ બની વિદ્યાર્થીઓના જીવનને દીપાવે છે ડો.માલાબેન કુંડલિયા
રાજકોટ કોટક ક્ધયા વિનય મંદિરના ધો.9 થી 12ના પ્રિન્સિપાલ ડો.માલાબેન કુંડલિયાની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક 2026ના આચાર્ય કેડરમાં થઈ પસંદગી
શાળાના એ વર્ગખંડો કે જ્યાં વિદ્યાર્થિની બનીને સપનાં જોયાં હતાં, આજે એ જ વર્ગખંડોમાં ઊભા રહીને તેઓ નવી પેઢીનાં સપનાંઓને દિશા આપી રહ્યાં છે. જે સંસ્થાએ તેમને શિસ્ત, સેવા અને સંસ્કારનું ભાથું આપ્યું, એ જ સંસ્થામાં છેલ્લા 29 વર્ષથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી ઋણ ચૂકાવવનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. આ વાત છે રાજકોટ કોટક ક્ધયા વિનય મંદિરના ધો.9 થી 12ના પ્રિન્સિપાલ ડો.માલાબેન કુંડલિયાની. તાજેતરમાં તેઓની આચાર્ય કેડરમાં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026 માટે પસંદગી થઈ છે. શિક્ષણ સાધનાની આ લાંબી સફરમાં તેઓને અનેક એવોર્ડ, સન્માન મળ્યા છે પરંતુ તેમના માટે શ્રેષ્ઠ પારિતોષિક વિદ્યાર્થીઓની પ્રગતિ છે. જ્યારે કોઈ વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનીયર, કલાસ વન ઓફિસર બનીને આવે ત્યારે જે આનંદ, ખુશી થાય છે તે અવર્ણનીય છે.
ઉર્મિલાબેન કુંડલિયા અને ચંદુભાઈ કુંડલિયાને ત્રણ દીકરા અને એક દીકરી. માતા-પિતાએ ચારેય સંતાનોને ખૂબ ભણાવ્યાં અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. જેમાં દીકરીએ બાલમંદિરથી ધોરણ 12 સુધીનું શિક્ષણ કોટક ક્ધયા વિનય મંદિરમાં મેળવ્યું ત્યારબાદ ઇ.જભ., ખ.જભ., ઇ.ઊમ. અને ઙવ.ઉ. સુધીનો અભ્યાસ કર્યો. ઇ.ઊમ. સુધી તેઓ યુનિવર્સિટી ફર્સ્ટ રહ્યાં અને પીએચ.ડી.માં શિક્ષણ ક્ષેત્રે સંશોધન બદલ પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડો. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે સન્માન પણ મેળવ્યું. આ શૈક્ષણિક સિદ્ધિઓની શરૂૂઆત ક્યાંક બહુ દૂર, તેમના બાળપણના એ ઘરમાં થઈ હતી જ્યાં પરિવાર એટલે માત્ર માતા-પિતા અને ભાઈ-બહેન નહીં, પરંતુ એકસાથે રહેતા 20-25 સભ્યોનું વિશાળ કુટુંબ હતું. એ સમયે તેમના પિતાના પાંચ ભાઈઓનો પરિવાર સાથે રહેતો. માલાબેન પોતાના બાળપણને યાદ કરતાં કહે છે. બાળપણમાં દિવ્ય જીવન સંઘ બાળ સંસ્કાર કેન્દ્રમાંથી તેઓ ગીતાજીના શ્ર્લોકો શીખ્યા. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 12મા અને 15મા અધ્યાયના શ્ર્લોકો તેમણે કંઠસ્થ કર્યા. આજે વર્ષો બાદ પણ એ સંસ્કાર માત્ર સ્મૃતિમાં નથી, પરંતુ શાળાની દીકરીઓ સુધી પહોંચ્યા છે. અમે દીકરીઓને શ્ર્લોકો માત્ર બોલાવતા નથી પરંતુ શુદ્ધ ઉચ્ચાર સાથે તેનો અર્થ પણ સમજાવીએ છે.જ્યારે નવા સત્રની શરૂૂઆત થાય ત્યારે દરેકના સ્વાગત સાથે ભગવદ્ ગીતા ભેટમાં અપાય છે જે તેઓને જીવનપર્યંત સાથ આપે છે.
ડોક્ટર નહીં પણ શિક્ષક બનવાનું પિતાજીનું સૂચન યોગ્ય ઠર્યું
શાળામાં શિક્ષકોએ માલાબેનની ક્ષમતા ઓળખી અને તેમનામાં આત્મવિશ્વાસ જગાવ્યો તેથી ધો.12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરાવ્યો. આ વિશ્વાસે તેમની શૈક્ષણિક કારકિર્દીને નવી ઊંચાઈ આપી. તે સમયે ડોક્ટર બનવાનું સપનું જોતી દીકરીના ભવિષ્યનો વિચાર કરી પિતાજીએ તેઓને શિક્ષક બનીને અનેક બાળકોના જીવનને ઘડી શકાય એવો માર્ગ દેખાડ્યો. આ વિચાર માલાબેનના મનમાં વસી ગયો અને શિક્ષણ તેમનું જીવન બની ગયું.માલાબેન માને છે કે ‘માસ્તર’ એટલે મા ના સ્તર સુધી પહોંચીને વિદ્યાર્થીઓને જીવનના પાઠ ભણાવનાર વ્યક્તિ. કદાચ આ જ વિચાર તેમની સમગ્ર શિક્ષણયાત્રામાં પણ જોવા મળે છે.
વિદ્યાર્થીઓના કિશોરાવસ્થાના તબક્કાને સમજો
માલાબેનના મતે કિશોરાવસ્થા જીવનનો અત્યંત સંવેદનશીલ પડાવ છે. આ ઉંમરે હોર્મોનલ ફેરફારો, વિજાતીય આકર્ષણ અને બદલાતી લાગણીઓના કારણે વર્તનમાં ફેરફાર થવો સ્વાભાવિક છે. આવા સમયે સંતાનોને ઠપકો આપવાથી નહીં. પરંતુ તેને સમજવાથી સાચી દિશા આપી શકાય.
મોબાઇલથી દૂર રાખવા કરતા, તેનો સાચો ઉપયોગ શીખવો
આજના સમયમાં મોબાઇલને સંપૂર્ણપણે અવગણવો શક્ય નથી. માલાબેન માને છે કે માહિતીના આ યુગમાં મોબાઇલ જ્ઞાન મેળવવાનું સાધન પણ બની શકે છે. તેમના મતે વિદ્યાર્થીઓ મોબાઇલમાં સમય બગાડે નહીં, પરંતુ સારી વસ્તુઓ જુએ, શીખે અને સમજે એ દિશામાં તેમને તૈયાર કરવા જરૂૂરી છે. વધુમાં વધુ ગ્રાઉન્ડ એક્ટિવિટી દ્વારા બાળકોને બહારની વાસ્તવિક દુનિયા સાથે પણ જોડવા જોઈએ. શાળાની વિદ્યાર્થીનીઓએ ખોખો, કબડ્ડી, બેઝબોલની રમત હોય કે કુસ્તી અને કરાટેની સ્પર્ધા હોય દરેકમાં દીકરીઓએ રાજ્ય સ્તરે સ્થાન મેળવ્યું છે. વિજ્ઞાન મેળામાં પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે.કોમ્પ્યુટર શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓને એડવાન્સ કોર્સ શીખવવામાં આવે છે, જેથી ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ જ્ઞાન વધારવા માટે થાય.
વિદ્યાર્થીને ક્યારેય બધાની વચ્ચે અપમાનિત ન કરવો
શિક્ષકોને સંદેશ આપતાં માલાબેન કહે છે કે શિક્ષકે પોતાના વિષયમાં સંપૂર્ણ બનવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ અને વિદ્યાર્થીઓને રસ પડે એ રીતે ભણાવવું જોઈએ. વિદ્યાર્થીની ભૂલને પ્રેમ અને સન્માનથી એકાંતમાં સમજાવો જ્યારે પ્રશંસા કરવાની હોય ત્યારે વર્ગખંડમાં બધાની વચ્ચે કરો. શિક્ષકના શબ્દો વિદ્યાર્થીના મન પર લાંબા સમય સુધી અસર કરે છે.
પિતા નથી, પરંતુ તેમના સંસ્કાર આજે પણ સાથે છે
બે વર્ષ પહેલાં ચંદુભાઈ કુંડલિયાએ દુનિયાને અલવિદા કહી પરંતુ માલાબેન માટે પિતાની વિદાય અંત નથી; તેમના વિચારો અને સંસ્કારો આજે પણ જીવનનો હિસ્સો છે.
પિતાને વાંચનનો ખૂબ શોખ હતો. તેઓ જે પુસ્તકો વાંચતા તેમાં મહત્વની પંક્તિઓ અન્ડરલાઈન કરતા. માલાબેન જ્યારે પિયરમાં જાય ત્યારે પિતાએ અન્ડરલાઈન કરેલી પંક્તિઓ પરિવારના સભ્યોને મોટેથી વાંચી સંભળાવતા. પિતાજીએ 89 વર્ષના જીવનના અનુભવો પરિવારને સંસ્કારના રૂૂપમાં આપ્યા. માતાએ પણ મૌન રહીને બધાની પ્રગતિમાં સાથ આપ્યો. પરિવારમાં કોઈની વર્ષગાંઠ કે જન્મદિવસ હોય ત્યારે સાથે મળીને પ્રાર્થના અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાની પરંપરા હતી. કોરોના સમયે પરિવારના સભ્યો ચોક્કસ સમયે વીડિયો કોલથી પ્રાર્થના કરતા તે અત્યારે પણ કરે છે. પ્રાર્થના બાદ બાળકો પિતાએ આપેલા સુવિચારો બોલે છે.
લગ્ન બાદ માતા-પિતાની જેમ મળ્યો સાસરિયાનો સાથ
પિયરમાં માતા-પિતાએ જે રીતે તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું, એ જ રીતે સાસરે આવ્યા બાદ પણ સાસુ,સસરા, પરિવારનો ભરપૂર સાથ મળ્યો. પતિ દેવેન્દ્રભાઈ સાતા, દીકરો હર્ષવર્ધન અને પરિવારના સભ્યો તેમના કામને સમજે છે, પ્રોત્સાહન આપે છે અને દરેક પગલે સાથ આપે છે. તેઓએ યુકેમાં કેમ્બ્રિજ યુનિ. અમેરિકાની હાર્વર્ડ, એમઆઇટી, બ્રિન્સ્ટન, બોસ્ટન, હ્યુમસ સહિત અનેક યુનિ.ની મુલાકાત લીધી છે અને ત્યાંની સારી સિસ્ટમનો પોતાની શાળામાં પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે.આવનારા વર્ષમાં તેઓ સેવા નિવૃત્ત થવાના છે ત્યારે તેમનું સ્વપ્ન જીવનના છેલ્લા શ્વાસ સુધી દીકરીઓને કેળવણી આપી,સંસ્કારના બીજ રોપી જીવન સુધારવાનું છે.
