પ્રિય નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીને મૌનાંજલિ, શોકાતૂર રાજકોટમાં સજજડ શોક હડતાલ
શાળા-કોલેજોમાં પણ આખો દિવસ શૈક્ષણિક કાર્ય બંધ, ઔદ્યોગિક વિસ્તારો પણ બંધમાં જોડાયા
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાની દૂર્ઘટના બની હતી. આ ઘટનામાં 250થીને વધુ મોત થયા હતાં. આ ગોજારી ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી પણ ઘટનાનો ભોગ બન્યા હતાં. આ બનાવ બનતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પણ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને વિકાસની અનેક ભેટો વિજયભાઈ રૂપાણીએ આપી છે. વર્તમાનમાં રાજકોટ અને સૌરાષ્ટ્રનો વિકાસ વિજયભાઈ રૂપાણીને આભારી છે. રાજકોટ તેનું ઋણી રહેશે. વિજયભાઈના નિધનથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટના રતન અને ગૌરવ એવા સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે આજે શાળા-સંચાલક મંડળ દ્વારા શાળાઓ સંપૂર્ણ બંધ રાખી શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવ્યું હતું. અને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારે વેપાર અને ઉદ્યોગજગત દ્વારા પણ અડધો દિવસ સ્વૈચ્છિક રીતે બંધ પાળવામાં આવ્યુ ંહતું. રાજકોટની વિવિધ બજારોએ વેપાર ધંધા બંધ રાખી અને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધા-સુમન અર્પણ કરી તેમના આત્માને તેમજ અન્ય મૃતકોના આત્માના મોક્ષાર્થે પ્રાર્થના કરી હતી.
વિજયભાઇ રૂપાણીનાં કાર્યકાળમા રાજકોટ ઉધોગ જગતને ક્ધવેશન સેન્ટર, નવુ એરપોર્ટ, એઇમસ , ઝનાના હોસ્પિટલ, સિવીલનાં નવા બિલ્ડીંગ સહીતનાં વિકાસ કાર્યોની ભેટ મળી હતી. વિજયભાઇનાં મુખ્યમંત્રી સમયગાળામા રાજકોટનાં વેપાર આલમને એક વેગ મળ્યો હતો. અને આ વેગનાં કારણે રાજકોટ આજે વિશ્ર્વ ફલક પર ઉધોગનુ ગ્રોથ એન્જીન બન્યુ છે. રાજકોટનાં વિવિધ સ્પેરપાર્ટો વિદેશોમા ઉપયોગ કરવામા આવી રહયા છે. આ ઔધોગીક વિકાસનાં કારણે રાજકોટનાં ઉધોગપતિ અને વેપારીઓ પણ આર્થિક રીતે સધ્ધર થયા છે. વિજયભાઇની અણધારી વિદાયથી ઉધોગ જગત શોકાતુર થયો છે.આજે રાજકોટનાં વિવિધ વેપારી મંડળો, ઔધોગીક એકમોએ રોજગાર, ધંધા બંધ રાખ્યા હતા. અને વિજયભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
ઉપરાંત રાજકોટની મુખ્ય બજારો દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, ગુંદાવાડી, યાજ્ઞીક રોડ સહીતની બજારોમા વેપારીઓએ આજે દુકાનો બંધ કરી અને વેપાર – ધંધો બંધ રાખ્યો હતો. તેમજ વેપારી એસોશિએશન બજારોમા એકત્ર થયુ હતુ. અને વિજયભાઇનાં નિધન અંગે શોક વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસ અને કોંગ્રેસ દ્વારા પણ સ્વેચ્છીક રીતે બંધ પાળવા અપીલ કરવામા આવી હતી. જેને સહર્ષ સ્વીકારી આજે રાજકોટ અડધો દિવસ બંધ રહયુ હતુ.
રાજકોટ શિક્ષણ ક્ષેત્રે પણ હાલ મોખરે છે. રાજકોટની શાળાઓનાં વિધાર્થીઓ બોર્ડમા ઝળકી રહયા છે. વિજયભાઇની વિદાયથી શાળા સંચાલક મંડળ પણ શોકમા ગરકાવ થયુ છે. ત્યારે આજે શાળા સંચાલક મંડળ દ્વારા સંપુર્ણ શૈક્ષણિક કાર્ય બંધ રાખી વિજયભાઇને શોકાંજલી પાઠવી હતી.
અંતિમયાત્રામા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર હિબકે ચડશે
આજે વેપારીઓ, ઉધોગપતિઓ અને શાળા સંચાલક મંડળ દ્વારા બંધ પાળવામા આવ્યુ હતુ. વિજયભાઇની અંતિમવિધી રાજકોટમા તેમનાં નિવાસ સ્થાને કરવામા આવશે. જેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. રાજકોટમા બંધ પાળ્યા બાદ વિજયભાઇની અંતિમયાત્રામા પણ વેપારીઓ, ઉધોગપતિઓ અને શાળા સંચાલક મંડળ સહીત પ્રજાજનો પણ જોડાશે.
