રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં બાબરીયા કોલોની મેઈન રોડ પર મોરારીનગરમાં રહેતાં કારખાનેદાર 80 ફુટ રોડ પર પ્રગતિ સોસાયટીમાં પોતાના કારખાને હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બાબરીયા કોલોની મેઈન રોડ પર મોરારીનગરમાં રહેતાં હરેશભાઈ અરજણભાઈ ડાંગર નામના 50 વર્ષના કારખાનેદાર બપોરના બારેક વાગ્યાના અરસામાં 80 ફુટ રોડ પર પ્રગતિ સોસાયટીમાં પોતાના ભગવતી મશીન ટુલ્સ નામના કારખાને હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં.
આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક હરેશભાઈ ડાંગર ચાર ભાઈમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હરેશભાઈ ડાંગર પોતાના કારખાને હતાં ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હોવાનું જાણવા મળ્યું હતું.
