રાજકોટ મહાનગરપાલિકાની ગત જનરલ બોર્ડમાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરોએ ચોમાસા દરમિયાન ભાંગેલા રોડ રસ્તા મુદ્દે પુછેલા પ્રશ્ર્નમાં સિટી ઇજનેર દ્વારા મનઘડત જવાબો આપીને જનરલ બોર્ડને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ર્ક્યા બાદ હવે મેયર ડો. નેહલ શુકલે શહેરીજનોને બિસ્માર રોડ રસ્તાની યાતનામાંથી મુક્તિ આપવા તમામ વિસ્તારોમાં રોડ રસ્તાનું કામ કરનારા કોન્ટ્રાક્ટરોના નામની તકતી સાથે ફોન નંબર લખવાની જાહેરાત કરી છે. બીજીબાજુ રસ્તો કોણે બનાવ્યો છે? તેનો ‘હિસાબ’ લેવાની પણ જનતાને ખબર પડે એ માટે કોન્ટ્રાક્ટરના નામ, એજન્સી અને સાથે તેમનો ફોન નંબર પણ ફરજિયાત લખવો પડશે.
રાજકોટમાં દર વર્ષે ચોમાસા દરમિયાન બિસ્કિટની જેમ ભાંગીને ભુક્કો થઇ જતા રોડ રસ્તાઓના નિર્માણ અને રિસર્ફેસિંગના કામમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે મેયર ડો.નેહલ શુકલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શહેરમાં હાથ ધરવામાં આવનારા રોડવર્કના બન્ને છેડે પથ્થરની તકતી લગાવી તેમાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરોના નામ અને ફોન નંબર લખવાનું ફરજિયાત બનાવાયું છે. આ તકતી પર રોડની વિગતો સાથે કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા, ડિફેકટ લાયબિલિટી પિરિયડ સહિતની મહત્વની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે મનપા ટૂંક સમયમાં અમલવારી શરૂૂ કરશે તેમ મેયરે જણાવ્યું છે.
નવા નિયમમાં સૌથી મહત્વની બાબત એ છે કે રોડકામની પહેલી બિલ ચુકવણી પહેલાં જ બન્ને વિગતો ઉપરાંત કોન્ટ્રાક્ટરનું નામ અને ફોન નંબર દર્શાવવાનો રહેશે.
સાથે જ કામ શરૂૂ થવાની અને પૂર્ણ થવાની તારીખ, ડિરેક્ટ લાયબિલિટી પિરીયડ અને મનપાનોનો ટોલ ફ્રી નંબર પણ દર્શાવવાનો રહેશે. જો કામ દરમિયાન તેની સમયમર્યાદામાં ફેરફાર થાય તો જૂની માહિતી યથાવત રાખવાને બદલે સુધારેલી માહિતી સાથે નવી તકતી લગાવવાની રહેશે.તકતી સમયસર લગાડવામાં આવે, તેના પરની વિગતો સાચી હોય, ફોટો-વિડિયો વેરિફિકેશન ખરેખર થાય અને નિયમનું ઉલ્લંઘન કરનાર સામે બિલ રોકવા સહિતની કાર્યવાહી કરવામાં આવે તો જ આ પહેલ લાંબા ગાળે અસરકારક સાબિત થશે. નવા નિયમથી રાજકોટના નાગરિકોને સૌથી સીધો લાભ માહિતીના અધિકારના વ્યવહારૂૂ ઉપયોગમાં મળી શકે છે. રસ્તા પર જ લાગેલી તકતી પરથી કોઈપણ નાગરિક રોડનું નામ, ઝોન, વોર્ડ, કોન્ટ્રાક્ટર, સમયમર્યાદા અને અન્ય વિગતો જાણી શકશે. કામમાં વિલંબ કે ગુણવત્તા અંગે પ્રશ્ર્ન ઊભો થાય ત્યારે સંબંધિત માહિતીના આધારે ફરિયાદ અથવા રજૂઆત કરવી પણ સરળ બનશે.
કોન્ટ્રાક્ટરના નામ-ફોન નંબરની તકતી મનપાની વેબસાઇટ પર પણ મુકાશે
ક્યા વિસ્તારમાં ક્યા કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો છે તેની સૌ કોઇને જાણ થાય તે માટે એજન્સી અને તેના માલિકના નામ અને ફોન નંબર સહિતની વિગતો સાથે જે તે રોડ પર લગાવેલી તકતી, અને તેની સાથે રસ્તાના ફોટોગ્રાફસ મનપાની વેબસાઈટ પર અપલોડ કરવા પડશે. અંતિમ ચુકવણી કરતાં પહેલાં કામની ફોટો અને વીડિયો મારફતે ચકાસણી કરવામાં આવશે. જેથી કાગળ પર કામ પૂર્ણ બતાવી દેવાની શક્યતા સામે વધુ નિયંત્રણ આવી શકે. તક્તીમાં રોડનું નામ, સંબંધિત ઝોન અને લાયબિલિટી પિરિયડ દરમિયાન તકતીની જાળવણીની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની રહેશે.
