નેતાઓ અને તંત્ર વચ્ચે લોકમેળો ચકડોળે ચડયો

રેસકોર્ષ મેદાનના બદલે ન્યુરેસકોર્ષમાં યોજવા બે ધારાસભ્યો મેદાને, જમીન સમથળ કરવા માટે તાત્કાલીક ગ્રાન્ટ આપવા સરકારમાં રજૂઆત મેળાના કારણે સર્જાતી ટ્રાફીક, પ્રદુષણ અને પાર્કિંગની સમસ્યાથી…

રેસકોર્ષ મેદાનના બદલે ન્યુરેસકોર્ષમાં યોજવા બે ધારાસભ્યો મેદાને, જમીન સમથળ કરવા માટે તાત્કાલીક ગ્રાન્ટ આપવા સરકારમાં રજૂઆત

મેળાના કારણે સર્જાતી ટ્રાફીક, પ્રદુષણ અને પાર્કિંગની સમસ્યાથી છુટકારા માટે લોકમેળો નવા સ્થળે યોજવો ખુબ જરૂરી: રમેશભાઇ ટીલાળા

રાજકોટ શહેરના રેસકોષ મેદાનમાં દર વર્ષે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્ષ મેદાનથી નવા રિંગરોડ ઉપર ન્યુ રેસકોર્ષની વિશાળ જમીન ઉપર ખસેડવા વધુ એક વખત શહેરના ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા અને ડો.દર્શિતા શાહે રાજય સરકારમાં રજુઆત કરી છે ત્યારે તંત્ર અને ધારાસભ્યો વચ્ચે લોકમેળો ચકડોળે ચડયો છે.

ન્યુ રેસકોર્ષમાં અટલ સરોવર પાસે જે જમીન ઉપર લોકમેળો ખસેડવાની વાત છે તે જમીન એકદમ ખાડા-ટેકરાવાળી હોવાથી સમથળ કરવા માટે કરોડો રૂપીયાનો ખર્ચ થનાર હોય આ ખર્ચની રકમ રાજય સરકાર તાત્કાલીક ચુકવે તેવી રજુઆત બન્ને ધારાસભ્યોએ કરી હતી. આ માટે તેઓ પ્રભારી મંત્રી રાઘવજી પટેલ અને મુખ્યમંત્રીને મળ્યા હતા.

ધારાસભ્ય રમેેશભાઇ ટીલાળાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે નવા રિંગરોડ ઉપર ન્યુ રેસકોર્ષ પાસેની વિશાળ જમીનમાં લોકમેળો યોજવામાં આવે તો શહેરનું ટ્રાફીક ભાણ ઘટી અને પ્રદુષણ ઘટાડી શકાય છે. આ માટે આ વર્ષે જ લોકમેળાનું સ્થળાંતર નવી જગ્યામાં થાય તેવા અમાા પ્રયાસો છે.

તેમણે જણાવ્યું હતું કે જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્ષ મેદાનમાં યોજાતો હોવાથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન શહેરમાં ભયંકર ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને પ્રદુષણ પણ ભયાનક સ્તરે પહોંચી જાય છે. જેથી લોકમેળો શહેરની બહાર ખસેડવા અમારા પ્રયાસો છે.

તેમણે જણાવ્યું હતું કે, નવા સ્થળે જમીન સમથળ કરવા માટે સરકાર તાત્કાલીક ગ્રાન્ટ ફાળવે અને લોકમેળા સમીતીના ફંડમાંથી પણ ઘટતો ખર્ચ કરવામાં આવે તો આ વર્ષે જ લોકમેળો નવા સ્થળે યોજી શકાય તેમ છે અને આ માટે જ અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે.

રમેશભાઇ ટીલાળાએ જણાવેલ કે, ન્યુ રેસકોર્ષમાં લોકમેળો યોજવામાં આવે તો ટ્રાફિક-પાર્કીંગ અને પ્રદુષણનો પ્રશ્ન ઘણો હળવો થઇ શકે તેમ છે. લોકમેળામાં ગ્રામ્ય વિસ્તારના લોકો પ્રમાણમાં વધુ આવતા હોવાથી તેઓ બારોબાર નવા રીંગરોડ ઉપરથી જ મેળામાં આવી શકે છે. વળી નવા સ્થળે પાર્કીંગ માટે પુરી જગ્યા મળી રહે તેમ છે તેથી લોકમેળામાં આવતા લોકોના વાહન પાર્કીંગનો પ્રશ્ન મહદ અંશે હળવો થઇ જાય તેમ છે.
આ ઉપરાંત ન્યુ રેસકોર્ષ પાસેની જમીન ઉપર લોકમેળો યોજાય તો મેળામાં આવતા સહેલાણીઓને અટલ સરોવર સહીતના નવા સ્થળો પર હરવા-ફરવાનો લાભ મળી શકે તેમ છે.આમ ધારાસભ્યોના મતે જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્ષ મેદાનના બદલે શહેરની બહાર ખસેડવામાં આવે તો ઘણા ફાયદા છે.

નવા સ્થળે લોકમેળો યોજવા સામે પણ અનેક પડકારો

રાજકોટ શહેરમાં પ્રદુષણ અને ટ્રાફી સમસ્યાના કારણે રેસકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો નવા રિંગરોડ ઉપર યોજવા ધારાસભ્યોની માંગણી છે. પરંતુ નવા સ્થળે લોકમેળો યોજવા સામેે પણ અનેક પડકારો છે. સૌથી મોટો પ્રશ્ન ન્યુ રેસકોર્ષની રોડ કનેકટીવીટીનો છે. ન્યુ રેસકોર્ષ પહોંચવા માટે શહેર બહારથી આવતા સહેલાણીઓએ ફરજીયાત નવા રિંગરોડ ઉપરથી જ પસાર થવું પડે તેમ છે અને નવા રીંગરોડની હાલત હજુ 18મી સદીના ગાડા મારગ જેવી છે. ત્યારે સૌ પ્રથમ તો રીંગરોડ પહોળો કવો પડે તેમ છે. કેમ કે આ રોડ ઉપરથી ભારે વાહનોનો ટ્રાફીક પાસ થાય છે અને હાલ આ રોડની હાલત પણ અત્યંત ખરાબ છે.

આ ઉપરાંત રૈયા રોડ ઉપર રૈયા ગામથી નવા રિંગરોડ સુધીનો રોડ પણ સિંગલ પટ્ટી છે. જુના રીંગરોડથી નવા રીંગરોડને જોડતા રસ્તા હજુ પુરતા પ્રમાણમાં ખુુલ્યા નથી. આ સીવાય નવા સ્થળની જમીન ખાડા-ટેકરાવાળી હોવાથી સમથળ કરવામાં ઘણો સમય લાગી શકે છે. હવે લોકમેળા આડે સમય માત્ર બે મહીનાનો છે અને હજુ સરકાર ગ્રાન્ટ ફાળવે પછી માર્ગ અને મકાન વિભાગ ટેન્ડર પ્રક્રીયા કરે અને સરકારી રાહે કામ કરે તેમાં સમય લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *