રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ રોગચાના કારણે અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના ઘટી છે ત્યારે વધુ એક બનાવમાં શાપર વેરાવળમાં મજુરી કામ કરતાં શ્રમિક યુવકનું તાવની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં રહેતાં સંજયકુમાર મધુસુદનભાઈ શેઠી નામનો 28 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં તાવની બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ દોશી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું તાવની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં પડધરીના નાની અમરેલી ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી રોનીબેન અજીતભાઈ યાદવ નામની 20 વર્ષની પરિણીતાને તાવ ચડયો હતો. જેના કારણે પરિણીતાનું મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પરિણીતાના પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા છે. અને તેણીને દોઢ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે.
