મવડીમાં સરકારી જમીન પર મજૂર કોલોની ઊભી કરનાર બિલ્ડરોને મામલતદારે 11.25 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી બિલ્ડર દીપલ ભાઈ લાડાણી,સાગર ભાઈ અઘેરા, સામે મહેસૂલ તંત્ર દ્વારા લાલ આંખ…

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી બિલ્ડર દીપલ ભાઈ લાડાણી,સાગર ભાઈ અઘેરા, સામે મહેસૂલ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મવડી ટી.પી. સ્કીમની સરકારી જમીન પર મજૂરો માટે 100 જેટલા કાચા આવાસ બનાવી દબાણ કરવાના મામલે મામલતદાર (દક્ષિણ) દ્વારા ઓરબીટ ગાર્ડનના બે બિલ્ડરોને 11,25,250/- નો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, ગત તા. 26/02/2026 ના રોજ યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સાનિધ્ય-254 કોલોનીના રહીશો દ્વારા મવડી સર્વે નં. 194 પૈકીની સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામો અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે ફરિયાદ અરજી કરવામાં આવી હતી. જેને પગલે સર્કલ ઓફિસર અને તલાટી દ્વારા સ્થળ તપાસ તેમજ પંચરોજકામ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ટી.પી. સ્કીમ નં. 28 (મવડી) ના એફ.પી. નં. 48/2 વાળી આશરે 4,500 ચોરસ મીટર સરકારી જમીન પર ઓરબીટ ગાર્ડનના બિલ્ડર દિલીપભાઈ લાડાણી અને સાગરભાઈ અઘેરા દ્વારા મજૂરો માટે 100 જેટલી કોલોની/ઓરડીઓ બનાવી છેલ્લા 3 વર્ષથી બિનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું.

આ મામલે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 હેઠળ કેસ નોંધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કોર્ટની નોટિસ બાદ હાજર થયેલા સામાવાળા તરફથી એવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે આ દબાણ અજ્ઞાનતાને કારણે થયું હતું અને હાલ તે દૂર કરી જમીન સંપૂર્ણ ખુલ્લી કરી દેવાઈ છે.

1 માસમાં દંડ નહીં ભરે તો ખાનગી મિલકત પર બોજો લાદવા આદેશ મામલતદાર દ્વારા દસ્તાવેજી પુરાવા અને અહેવાલોને ધ્યાને રાખી આ ગેરકાયદે દબાણ સાબિત માની જંત્રીના દર મુજબ નિયમાનુસાર 11,25,000/- દંડ તથા 250/- લોકલ ફંડ મળી કુલ 11,25,250/- નો દંડ ફટકાર્યો છે. હુકમમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે જો દબાણવાળી જગ્યા હજુ સંપૂર્ણ ખાલી ન થઈ હોય તો 10 દિવસમાં સ્વખર્ચે ખુલ્લી કરવી. દંડની રકમ 1 માસમાં જમીન દફતર નિરીક્ષક કચેરી ખાતે ભરપાઈ કરવાની રહેશે. નિયત સમયમાં દંડ ભરપાઈ નહીં કરાય તો વ્યાજ સહિતની રકમ બિલ્ડરોની ખાનગી મિલકત પર સરકારી બોજો (લાયન) દાખલ કરીને વસૂલ કરવામાં આવશે. સર્કલ ઓફિસરને સ્થળ પર જઈ દબાણ દૂર થયાની ખાતરી કરવા અને જો બાકી હોય તો તાત્કાલિક કલમ-202 હેઠળ જમીન સરકાર હસ્તક લેવાનો આદેશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *