ઉનાના ડમાસામાં 4 વર્ષની બાળાને ફાડી ખાનાર સિંહ ગણતરીની કલાકોમાં પાંજરે પૂરાયો

ઉના તાલુકાના ડમાસા ગામના વાડી વિસ્તારમાં 4 વર્ષ ની માસૂમ બાળકી હેમાંશીને માતાની નજર સામેથી ઉઠાવી જઈને ફાડી ખાનાર નરભક્ષી સિંહને વનવિભાગે ગણતરીના કલાકોમાં ઝડપી…

ઉના તાલુકાના ડમાસા ગામના વાડી વિસ્તારમાં 4 વર્ષ ની માસૂમ બાળકી હેમાંશીને માતાની નજર સામેથી ઉઠાવી જઈને ફાડી ખાનાર નરભક્ષી સિંહને વનવિભાગે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પાંજરે પૂર્યો છે.
ડમાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઈ બિજલભાઈ પામકની 4 વર્ષની પુત્રી હેમાંશી સાંજના સમયે ઘરની ઓસરીમાં રમી રહી હતી. તે સમયે તેની માતા સવિતાબેન રસોઈ બનાવી રહ્યા હતા. અચાનક ત્રાટકેલા સિંહે હેમાંશીને જડબામાં દબોચીને ઉઠાવી લીધી હતી. સિંહ બાળકીને ઘરથી લગભગ 500 મીટર દૂર ખેતરમાં લઈ ગયો હતો. ગ્રામજનોની બૂમાબૂમ થતા સિંહ બાળકીનો મૃતદેહ ત્યાં જ છોડીને નજીકની વાડી માં જઈને બેસી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગામલોકોમાં આ દુર્ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. વન વિભાગે સ્થળ પર જરૂૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ નરભક્ષી સિંહને પકડવા માટે તાત્કાલિક કવાયત હાથ ધરી હતી.જસાધાર રેન્જના આર.એફ.ઓ. કે.સી. ચૌહાણ અને ફોરેસ્ટર જીતેન્દ્ર બાંભણીયા સહિતની વન વિભાગની ટીમે વેટરનરી તબીબ પિયુષ માળવીને સાથે રાખીને કુલ 5 અલગ અલગ ટીમ બનાવી હતી. સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વન વિભાગની ટીમોની 4 કલાકની અથાક મહેનત બાદ આખરે નરભક્ષી સિંહને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો હતો. ઝડપાયા બાદ સિંહને જસાધાર સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.વન વિભાગ ની આ ત્વરિત કાર્યવાહીથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. જોકે, વિસ્તારમાં હજુ પણ ભયનો માહોલ યથાવત છે. સ્થાનિકોએ સિંહોની વધતી અવર જવર રોકવા માટે કાયમી ઉકેલની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *