અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: ‘પતિના આત્માને શાંતિ નહીં મળે’ કહી પત્નીનું ધરાર મુંડન કરાવ્યું

વિધવા પ્રથાના નામે અત્યાચાર, મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કેન્સર પીડિત પતિની તબીબી સારવાર બંધ કરાવી સાસુ, સસરા અને નણંદ ભુવા-ભારાડીના રવાડે ચડતા પતિનો જીવ…

વિધવા પ્રથાના નામે અત્યાચાર, મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ

કેન્સર પીડિત પતિની તબીબી સારવાર બંધ કરાવી સાસુ, સસરા અને નણંદ ભુવા-ભારાડીના રવાડે ચડતા પતિનો જીવ ગયો

ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને 21મી સદીના આ આધુનિક યુગમાં આપણે ભલે ગમે તેટલી પ્રગતિનો દાવો કરીએ, પરંતુ સમાજમાંથી હજુ પણ અંધશ્રદ્ધા અને કુરિવાજોનું સંપૂર્ણપણે નિર્મૂલન થયું નથી. વર્ષો પહેલાં અમલમાં રહેલી વિધવાનું મુંડન કરાવવાની અમાનવીય પ્રથા આજે પણ અસ્તિત્વ ધરાવે છે તેનો એક જીવતો-જાગતો અને ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે.રાજકોટમાં રહેતી એક સ્ત્રીનું પતિના અવસાન થયાના ત્રીજા દિવસે જ સાસુ અને નણંદે મળી બળજબરીથી મુંડન કરાવી નાખ્યું હતું.

રાજકોટ શહેરમાં માયાણી ચોકમાં પિયરમાં રહેતી સોનલબેન જાગાણી (ઉ.વ. 36)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 2014માં જેતપુરમાં રહેતાં ચંદ્રેશ સાથે લગ્ન થયા હતા. પતિ કારખાનું ધરાવતા હતા. દામ્પત્યજીવનમાં પુત્ર અને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. લગ્ન બાદ ત્રણ વર્ષ સંયુક્ત પરિવારમાં રહી હતી. સાસુ અને નણંદ પતિને નાની-નાની વાતમાં ચડામણી કરતા હોવાથી પતિ અવારનવાર ઝઘડા કરી મારકૂટ કરતો હતો.

આ સ્થિતિમાં સસરાના કહેવાથી નવાગઢ જકાતનાકા પાસે ભાડાના મકાનમાં અલગ રહેવા જતા રહ્યા હતા. લગ્નની શરૂૂઆતથી જ નણંદ કહે તે મુજબ જ બધું થતું હતું. 2022માં પુત્રીનો જન્મ થયો હતો. તેના સાસુ ભૂવા, દોરા-ધાગામાં ખૂબ જ માનતા હોવાથી અલગ-અલગ ભૂવાઓને ઘરે બોલાવતા હતા.જે તેને ગમતું નહીં.પતિની સારવાર ચાલુ હતી ત્યારે સાસુએ ભૂવાના કહેવાથી સારવાર બંધ કરાવી દીધી હતી. પતિની તબિયત વધુ ખરાબ થતાં ધોરાજી સાસરે રહેવા જતા રહ્યા હતા. જ્યાં સારવાર માટે સાસુ-સસરા ઘરમાં અવારનવાર ભૂવાને બોલાવતા હતા.આખરે પતિનું મૃત્યુ થયું હતું.

તેના ત્રણ દિવસ બાદ સાસુ અને નણંદે તેને કહ્યું કે, તારા માથાનું મુંડન કરાવવું પડશે, જો તું મુંડન નહીં કરાવ તો તારા પતિની આત્માને શાંતિ નહીં મળે. આ પછી બળજબરીથી તેના માથાનું મુંડન કરાવી નાખ્યું હતું. પોલીસે આ ફરિયાદના આધારે સાસુ જયાબેન, સસરા ભાડાભાઈ (રહે. બંને ધોરાજી) અને નણંદ નિમિષાબેન રાજેશભાઈ પાદરીયા (રહે. જેતપુર) વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મુંડનને કારણે સોનલબેન શરમજનક સ્થિતિમાં મુકાયા: ઘરની બહાર પણ નીકળી શકતાં ન હતાં
સાસરિયાઓએ બળજબરીથી મુંડન કરાવી નાખતા સોનલબેન કફોડી અને શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આઠ મહિના બાદ હવે તેના માથામાં થોડા વાળ આવ્યા છે. મુંડનને કારણે ઘણાં સમય સુધી બહાર જઈ શકતા પણ નહીં, હવે પણ માથું ઢાંકી બહાર નીકળવું પડે છે. સોનલબેને અત્યારનો ફોટો પણ પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.

પતિનું કેન્સર મટાડવા સાસુ ભુવાને ઘરે બોલાવી દોરા-ધાગા કરતા!
સાસુ ભૂવા, દોરા-ધાગામાં ખૂબ જ માનતા હોવાથી અલગ-અલગ ભૂવાઓને ઘરે બોલાવતા હતા. જે તેને ગમતું નહીં. પરિણામે આ બાબતે ઝઘડાઓ થતાં હતાં.2023માં પતિને આંતરડાનું કેન્સર થયાનો રિપોર્ટ આવ્યો હતો. જેની સારવાર અને ઓપરેશનનો બધો ખર્ચ પતિએ જ ઉઠાવ્યો હતો. પતિની સારવાર ચાલુ હતી ત્યારે સાસુએ ભૂવાના કહેવાથી સારવાર બંધ કરાવી દીધી હતી. પતિની તબિયત વધુ ખરાબ થતાં ધોરાજી સાસરે રહેવા જતા રહ્યા હતા. જ્યાં સારવાર માટે સાસુ-સસરા ઘરમાં અવારનવાર ભૂવાને બોલાવતા હતા. આખરે ગઈ તા.12-11-2025ના રોજ પતિનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *