છતાં મોટાભાગના ધર્મતીર્થો અને મંદિરોમાં ચંદ્રગ્રહણ પ્રમાણેની પરંપરાનું સંપૂર્ણ પાલન
આજે વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થવાનું છે. ચંદ્રને મનનો કારક માનવામાં આવતો હોવાથી તેની સીધી અસર લોકોની માનસિક સ્થિતિ પર પડી શકે છે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતના અનેક હિસ્સાઓમાં દેખાવાનું છે, જેના કારણે તેનું સૂતક કાળ પણ માન્ય રહેશે. તેમજ ગ્રહણ દરમિયાન સાવધાની રાખવી અત્યંત મહત્ત્વની છે.
વર્ષનું આ પહેલું ચંદ્રગ્રહણ આજે એટલે કે 3 માર્ચના રોજ બપોરે 3:20 વાગ્યે શરૂૂ થશે અને સાંજે 6:46 વાગ્યે પૂર્ણ થશે. ગ્રહણનો કુલ સમયગાળો અંદાજે 3 કલાક અને 27 મિનિટનો રહેશે. ભારતમાં ચંદ્રનો ઉદય સાંજે 5:59 વાગ્યે થશે, તેથી દેશમાં માત્ર ગ્રહણનો અંતિમ ભાગ(મોક્ષ કાળ) જ જોઈ શકાશે. ગ્રહણ શરૂૂ થવાના 9 કલાક પહેલા એટલે કે આજે સવારે 6:20 વાગ્યાથી સૂતક કાળ શરૂૂ થઈ ચૂક્યો છે, જે ગ્રહણના મોક્ષ સાથે જ સમાપ્ત થશે. સૌરાષ્ટ્રમાં આ ગ્રહણ દેખાતું ન હોવાથી નાગરિકો પાળતા નથી પરંતુ ધર્મ સ્થાનકો અને મંદિરો ગ્રહણની પરંપરા જાળવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે, તેથી ચંદ્રગ્રહણની સીધી અસર વ્યક્તિની માનસિક સ્થિતિ અને લાગણીઓ પર પડે છે. આ વખતે ગ્રહણ સિંહ રાશિમાં લાગી રહ્યું હોવાથી અમુક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવી મહત્ત્વની છે. સિંહ રાશિના જાતકો પર આ ગ્રહણની સૌથી વધુ અસર જોવા મળશે, કારણ કે ગ્રહણ આ જ રાશિમાં થઈ રહ્યું છે. આ દરમિયાન બિનજરૂૂરી માનસિક તણાવ, મૂંઝવણ અને અશાંતિનો અનુભવ થઈ શકે છે. સલાહ છે કે આ સમયે કોઈ પણ મોટો આર્થિક કે પારિવારિક નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી અને વાણી પર સંયમ રાખવો.
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી આ રાશિના લોકોએ પણ સાવધ રહેવું પડશે. ગ્રહણના પ્રભાવથી જૂની બીમારીઓ ફરી ઉથલો મારી શકે છે, તેથી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂૂરી છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે મેડિટેશન અને મંત્રોનો જાપ કરવો હિતાવહ રહેશે.
તેમજ કુંભ રાશિના જાતકોના સંબંધો પર અસર પડી શકે છે. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે વૈચારિક મતભેદો થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ઉગ્રતા ટાળવી અને કોઈ પણ વિવાદને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ.
ધર્મશાસ્ત્રો મુજબ સૂતક દરમિયાન અન્નનો ત્યાગ કરવો જોઈએ અને નકારાત્મક કાર્યોથી બચવું જોઈએ. દૂધ, દહીં અને તેલ જેવી વસ્તુઓમાં તુલસીના પાન નાખી દેવા જોઈએ જેથી તેની શુદ્ધતા જળવાઈ રહે. ગ્રહણ દરમિયાન ભગવાનના મંત્રોનો જાપ અને ’ઓમ નમ: શિવાય’ના પાઠ કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. ગ્રહણ પૂર્ણ થયા પછી આખા ઘરની સફાઈ કરવી, સ્નાન કરવું અને જરૂૂરિયાતમંદોને અન્ન કે વસ્ત્રોનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.
