ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની સંભવિત રીતે અંતિમ જનરલ બોર્ડ આગામી શનિવાર તા. 21 ફેબ્રુઆરીના રોજ મુકરર કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ રચનાબેન એમ. મોટાણીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાગૃહ ખાતે શનિવારે સાંજે 5 વાગ્યે યોજવામાં આવેલી આ મહત્વની સામાન્ય સભામાં વિવિધ પ્રકારના ટેન્ડરો, ખરીદી, સહિતના નીતિવિષયક નિર્ણયો સાથેના 26 મુદ્દાઓ મંજૂરી અર્થે મુકવામાં આવશે.
એજન્ડા નંબર 18 મુજબની આ સામાન્ય સભામાં ગત વર્ષના વાર્ષિક હિસાબોની બહાલી તેમજ આગામી વર્ષના બજેટને મંજૂરી, રોજમદાર તેમજ કોન્ટ્રાક્ટર બેઇઝ કર્મચારીઓના વર્ષ 2012 થી 2015 સુધીના ઈ.પી.એફ.ની રકમ જમા કરવા, નગરપાલિકાના બાકી રહેતા વીજ બિલની રકમ માટે લોન લેવા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડને દરખાસ્ત કરવા, નવરાત્રી દરમિયાન થયેલા ખર્ચની બહાલી આપવા, નિવૃત્ત થયેલા તેમજ નિવૃત્ત થનારા કર્મચારીઓને મળવાપાત્ર લાભ ચૂકવવા, ફાયર શાખા માટે નવું ફાયર ફાઈટર ખરીદ કરવા, સરકારની ગંગા સ્વરૂૂપા યોજનાનો લાભ મેળવતા વિધવા માતા-બહેનોની મિલકતમાં તેઓને વેરામાંથી મુક્તિ આપવા, જુદી-જુદી શાખાઓ માટે માલસામાનની ખરીદી કરવા, ડોર ટુ ડોર ઘન કચરાની કામગીરી અંગેનું નવું ટેન્ડર બહાર પાડવા, ટાઉન હોલમાં લિફ્ટ નાખવા, નગરપાલિકાને મળેલી જુદી જુદી ગ્રાન્ટમાંથી વિકાસ કામો નક્કી કરવા, પોર ગેઈટ પાસે આવેલી શાકમાર્કેટના ગાલાઓના ભાડા ઘટાડવા ઉપરાંત જુદા જુદા વિકાસકામોમાં આવેલા ટેન્ડર મંજૂર રાખવા સહિત કુલ 26 જેટલા ઠરાવ આ એજન્ડામાં લેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી નગરપાલિકાની આગામી આ બેઠક પણ રાબેતા મુજબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવું ચિત્ર જોવા મળે છે. આગામી દિવસોમાં નગરપાલિકાની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ રહી છે અને શહેરના વિસ્તૃતિકરણ સાથે આગામી ટર્મમાં બે વોર્ડની સંખ્યા પણ વધી જશે. ત્યારે આ અંતિમ જનરલ બોર્ડ પણ મહત્વની બની રહેનાર છે.
