– કાલે મકરસંક્રાંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ –
ઉમંગ – ઉત્સાહના પર્વ એવા મકરસંક્રાંતિની આવતીકાલે બુધવારે ભવ્ય ઉજવણી કરવા માટે ખંભાળિયાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ આકાર, પ્રકારના પતંગો, ફીરકી, માંજા, ઉપરાંત પીપૂડા અને મુખૌટા સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓના વેપારીઓને ત્યાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગ્રાહકોની નોંધપાત્ર ભીડ જોવા મળી રહે છે.
આવતીકાલે ઉતરાયણ પર્વ નિમિત્તે સવારથી જ ખાસ કરીને બાળકો તથા યુવા હૈયાઓ પતંગ ઉડાડવાની મોજ માણવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. આ વખતે દેશભક્તિ સહિતની જુદી જુદી થીમ સાથેના પતંગોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે પણ આ દુકાનોમાં ગ્રાહકોને ભીડ જોવા મળી હતી.
ઉતરાયણમાં પતંગોત્સવ સાથે લોકો ઊંધિયું ખાવાની મોજ માણશે.
– ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે ભાણવડ પંથક માટે હેલ્પલાઇન નંબર જાહેર –
આવતીકાલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને, આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ પતંગની જીવલેણ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા “પક્ષી બચાવો અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે.
ભાણવડ તાલુકામાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે મોબાઈલ નંબર 95125 53434, 8140081143, 9512354683, 9723437022 ઉપર સંપર્ક કરવા તેમજ સવારે 9 પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
