પ્રથમ દિવસે વિવિધ શ્રેણીનાં 130 સ્ટોલ-પ્લોટની ફાળવણી, ગુરુવાર સુધી ચાલશે કામગીરી
રમકડાના અને ખાણી પીણીના સ્ટોલની 45,000 અને ચકરડી માટે 28 થી 17 હજાર અપસેટ પ્રાઈઝ
રાજકોટના ઐતિહાસિક જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ હવે તંત્ર દ્વારા પૂરજોશમાં શરૂૂ કરી દેવામાં આવી છે. મેળામાં વેપાર-ધંધા અર્થે આવતા નાના-મોટા વેપારીઓ માટે સ્ટોલ અને પ્લોટની પારદર્શક ફાળવણી થાય તે હેતુથી લોકમેળા સમિતિ દ્વારા આજથી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સ્ટોલ અને પ્લોટના ડ્રો તથા ફાળવણીની વિધિવત શરૂૂઆત કરવામાં આવી છે. જેમાં રમકડાં, ખાણીપીણી અને યાંત્રિક રાઇડ્સના સ્ટોલ મેળવવા ઉત્સુક વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજના ડ્રો અને ફાળવણી દરમિયાન વિવિધ શ્રેણીના કુલ 130 જેટલા સ્ટોલ અને પ્લોટની સફળતાપૂર્વક ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રમકડાંના 95 સ્ટોલ, નાની ખાણીપીણીના 08 સ્ટોલ, નાની ચકરડીના 24 પ્લોટ અને મધ્યમ ચકરડીના 03 પ્લોટનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ સ્ટોલ અને પ્લોટના ભાડા તેમજ અપસેટ પ્રાઈઝ અગાઉથી જ નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત રમકડાંના સ્ટોલનું ભાડું રૂૂપિયા 45,000, નાની ખાણીપીણીના સ્ટોલનું ભાડું રૂૂપિયા 45,000, મધ્યમ ચકરડીના પ્લોટનું ભાડું રૂપિયા 28,000 અને નાની ચકરડીની અપસેટ પ્રાઈઝ રૂૂપિયા 17,000 નિર્ધારિત કરવામાં આવી છે.
મેળામાં પ્લોટ કે સ્ટોલ મેળવવા માટે વેપારીઓ વચ્ચે દર વર્ષે ભારે ધસારો જોવા મળતો હોય છે. આ વર્ષે પણ હજારો અરજીઓ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જે વેપારીઓ અને ઉમેદવારોના નામ ડ્રોમાં ખુલ્યા હતા, તેમના ચહેરા પર ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
લોકમેળા સમિતિના જણાવ્યા અનુસાર, ડ્રોમાં સફળ રહેલા તમામ વેપારીઓએ નક્કી કરેલી સમયમર્યાદા અંતર્ગત જરૂૂરી ફી સમયસર ભરીને પોતાના પ્લોટનો કબજો મેળવી લેવાનો રહેશે, જેથી મેળાના આગામી આયોજન અને સજાવટને સમયસર આખરી ઓપ આપી શકાય. રાજકોટનો આ લોકમેળો માત્ર મનોરંજનનું કેન્દ્ર જ નથી, પરંતુ હજારો નાના વેપારીઓ, કારીગરો અને ફેરિયાઓ માટે રોજીરોટી મેળવવાનો એક મોટો અને સુવર્ણ અવસર પૂરો પાડે છે.
સ્ટોલ અને પ્લોટના ડ્રોની શરૂઆત થવાની સાથે જ હવે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાનું મંડપારોપણ, અત્યાધુનિક લાઈટિંગ અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરી પણ ટૂંક સમયમાં વેગ પકડશે.
આગામી દિવસોમાં યોજાનાર હરરાજી અને ડ્રોની વિગતો કાલે 04ના સવારે 11:30 કલાકે કેટેગરી-એ ખાણી-પીણી, એક્સપો, એક્ઝિબિશન તથા વિવિધ શો અને પ્રદર્શન માટેના 2 પ્લોટ તેમજ બી-1/કોર્નર ખાણીપીણીના 40 પ્લોટ માટે હરરાજી યોજાશે. 05ના સવારે 11:30 કલાકે યાંત્રિક કેટેગરી-ઇ ના 5, એફ ના 3, જી ના 20 અને એચ ના 6 પ્લોટની હરરાજી રાખવામાં આવી છે. 06ના સવારે 11:30 કલાકે કેટેગરી-એક્સ ના 17 પ્લોટ માટે હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
