ભગવાન શ્રીકૃષ્ણની પાવન નગરી દ્વારકા ફરી એકવાર ભારતના ધાર્મિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં પોતાનું નામ લખવા જઈ રહી છે. દ્વારકાના આંગણે યોજાનાર ભવ્ય ધર્મ મહાકુંભ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમગ્ર ભારતની આધ્યાત્મિક શક્તિ, સંસ્કૃતિ, સાધના અને એકતાનું મહાન પ્રતીક બનવા જઈ રહ્યો છે.
આ ભવ્ય અને અલૌકિક ધાર્મિક મહોત્સવ અંતર્ગત દેવી ભાગવત કથા અને શ્રી મહાચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભર તેમજ નેપાળમાંથી આવેલા 21,000 બ્રાહ્મણો દ્વારા 58 કરોડ જાપ કરવામાં આવશે. આ જાપવિધિ દ્વારકાની ધરતીને આધ્યાત્મિક ઊર્જાથી પ્રફુલ્લિત કરી દેશે અને સમગ્ર વિશ્વમાં ધર્મશક્તિનું સંદેશ આપશે.
આ ધર્મ મહાકુંભનું સૌથી વિશેષ આકર્ષણ છે 58 કરોડ મંત્રજાપ. આ જાપવિધિમાં: 21,000 બ્રાહ્મણો જોડાશે. જેઓ ભારતના વિવિધ રાજ્યો તેમજ નેપાળમાંથી પધારેલા વિદ્વાન બ્રાહ્મણો વૈદિક વિધિ, મંત્રોચ્ચાર અને તંત્રવિધિ સાથે મહાચંડી યજ્ઞમાં જોડાશે. આ મહાકુંભ દરમિયાન દેવી ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.કથામાં મહામંડળેશ્વર કનકેશ્વરી માતાજીની મહિમા સાથે દેવી શક્તિ, સ્ત્રીશક્તિ, ભક્તિ અને ધર્મનું ઊંડું દર્શન કરાવવામાં આવશે.
આ મહાકુંભમાં ભારતના ખૂણે-ખૂણેથી અનન્ય અને પ્રતિષ્ઠિત સંતો-મહંતો પધારવા જઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે મહંત દેવેન્દ્રપ્રસાદાચાર્યજી મહારાજ વિન્દુગાદ્યાચાર્ય ચક્રવર્તી, દશરથ મહેલ, અયોધ્યા મહંત રમણ શરણજી લક્ષ્મણકિલા પીઠાધીશ્વર, અયોધ્યા મહંત જન્મેજયશરણજી મહારાજ રસિકપીઠાધીશ્વર, જાનકી ઘાટ, અયોધ્યા મહંત અવધેશદાસજી મહારાજ બડા ભક્તમાલ, અયોધ્યા મહંત ધર્મદાસજી નિર્વાણી અની અખાડા, અયોધ્યા મહંત સ્વામી છવિરામદાસજી મોટા હનુમાન મંદિર, અયોધ્યા જગદ્ગુરુ પરમહંસ આચાર્ય તપસ્વી છાવણી, અયોધ્યા મહંત સચ્ચિદાનંદદાસજી શાસ્ત્રી મનોકામના સિદ્ધ હનુમાન પીઠ, ઋષિકેશ મહામંડલેશ્વર સુરેન્દ્રગિરિજી વ્યાસનગર, વનારસ ઉપરાંત અનેક અખાડાઓના મહંતો, પીઠાધીશ્વરો અને સાધુ-સંતોની મહાઉપસ્થિતિ આ કાર્યક્રમને અદ્વિતીય બનાવશે.
તેમજ રાજકીય અને પ્રશાસનિક મહાઉપસ્થિતિ આ મહાધાર્મિક કાર્યક્રમમાં માત્ર સંતો જ નહીં, પરંતુ દેશના શિર્ષ રાજકીય નેતાઓ પણ જોડાશે. ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના તમામ મંત્રીમંડળ અને ધારાસભ્યો સંસદસભ્યો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. દ્વારકાના આંગણે યોજાનાર આ ધર્મ મહાકુંભ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ભારતની આત્માનું મહોત્સવ છે. 58 કરોડ જાપ, 21 હજાર બ્રાહ્મણો, ભારતભરના સંતો, રાજકીય નેતાઓ અને લાખો ભક્તોની ઉપસ્થિતિ સાથે દ્વારકા ફરી એકવાર સાબિત કરશે કે ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા આજે પણ ભારતની ઓળખ છે.
