10મી જાન્યુઆરીએ સાંજે વડાપ્રધાન મોદીના હસ્તે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન, રાત્રી રોકાણ પણ કરે તેવી શકયતા
મહેમાનોને સવારે રામપરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, સાંજે ગાંધી સર્કીટ ટૂર, વોટસન મ્યુઝિયમના દર્શન કરાવાશે
દેશ વિદેશની 250થી વધુ કંપનીઓ ભાગ લેશે, બી ટુ બી મીટ, સી.ઇ.ઓ. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, 10 લાખથી વધુ લોકો હાજર રહેવાનો અંદાજ
રાજકોટ શહેરની ભાગોળે મોરબી રોડ ઉપર આગામી તા.10 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનાર સૌરાષ્ટ્ર- કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને રાજય સરકાર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને વાઇબ્રન્ટ સમિટ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો ફાઇનલ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટમાં પ્રથમ વખત યોજાઇ રહેલી આ રિજનલ વાઇબ્રન્ટ સમિટની ડિઝાઇન ડેઝર્ટ હેરીટેજ, વિચરતી જાતિની કલા અને જ.આઇ. એકસલન્સની થીમ ઉપર તૈયાર કરવામાં આવશે. આ માટે પ્રભાવશાળી ડિઝાઇન પણ ફાઇનલ કરી દેવામાં આવી છે.
આ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવા માટે વડાપ્રધાન મોદી આવશે. તા.10મી જાન્યુઆરીના રોજ સાંજે વડાપ્રધાનના હસ્તે આ સમિટ ખુલ્લી મુકવામાં આવનાર છે ત્યારે દેશના ઉદ્યોગજગતના અનેક માંધાતાઓ પણ હાજર રહેનાર છે. સાંજે પાંચ વાગ્યે વાઇબ્રન્ટ સમીટનું ઉદઘાટન અને ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમો હોવાથી વડાપ્રધાન કદાચ રાત્રી રોકાણ પણ રાજકોટ સરકીટ હાઉસમાં કરે તેવી શકયતા છે.
તા.10ના રોજ માત્ર ઉદઘાટન અને સ્ટેજ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જયારે બાકીના કાર્યક્રમો તા.11,12 અને 13 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવનાર મહેમાનો માટે રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સતત ત્રણ દિવસ સુધી અલગ અલગ ગૃપમાં મહેમાનોને વહેલી સવારે રામપરા વાઇલ્ડ સેન્ચ્યુરી ઉપરાંત સાંજે ગાંધી સર્કિટની ટુર કરાવવામાં આવશે. જેમાં ગાંધી મ્યુઝીયમ, વોટસન મ્યુઝિયમ તથા ક.બા. ગાંધીના ડેલાની મુલાકાત કરાવાશે.
આ વાઇબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશની 250થી વધુ કંપનીઓ ભાગ લેનાર છે અને કુલ દશેક લાખ લોકો મુલાકાત લ્યે તેવી ધારણા છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વિવિધ સેમનિાર સીઇઓની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ બી ટુ બી મીટ જેવા શ્રેણીબધ્ધ કાર્યક્રમો નક્કી કરાયા છે.
વડાપ્રધાન મોદીનો 10 મીએ રોડ શો, 70 જેટલા કલ્ચરલ ફલોટ ઉભા કરાશે
સમગ્ર રૂટ ઉપર બેરીકેડ લગાવાશે
રાજકોટમાં યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ સમિટ આગામી તા.10ના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે. આ પૂર્વે રાજકોટના જુના એરપોર્ટથી માધાપર ચોકડી થઇ મારવાડી યુનિવર્સિટી સુધી વડાપ્રધાનનો રોડ શો યોજવામાં આવનાર છે. રોડ શોના સમગ્ર રૂટ ઉપર બેરીકેડ લગાવવામાં આવશે અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી કરાવતા કુલ 70 જેટલા કલ્ચરલ ફલોટ ઉભા કરવામાં આવશે. હાલ રોડ શોનો સમગ્ર રૂટ યુધ્ધના ધોરણે ટીપટોપ કરવામાં આવી રહ્યો છે.
સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વૈશ્ર્વિક ફલક પર મૂકવા ખાસ આયોજન
રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ઉત્પાદન થતા સિરામિક, એન્જિનિયરીંગ, પોર્ટ અને લોજિસ્ટિક, ફિશરીઝ, પ્રવાસન, કેમિકલ અને પેટ્રોકેમિકલ, એગ્રો અને ફુડ પ્રોસેસિંગ અને મિનરલ્સ ઉપર ફોકસ રાખવામાં આવશે. આ ઉદ્યોગોને વૈશ્ર્વીક ફલક ઉપર મુકવા માટે ખાસ પ્રમોશન કરવાનું આયોજન કરવામાં આવશે. આ માટે અલગ અલગ સેમિનાર યોજી અન્ય રાજ્યો અને દેશોના વ્યાપાર ઉદ્યોગક્ષેત્રના લોકોને સ્થાનિક ઉદ્યોગકારો સાથે બિઝનેશની સીધી તક આપવામાં આવશે.
‘વન ડિસ્ટ્રિકટ વન પ્રોડકટ’ કેરીથી માંડી સિરામિકનું થશે પ્રમોશન
રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ હેઠળ કેસર કેરીથી માંડી, બાંધણી, મોતીકામ, માછલી, સિંગદાણા, સિરામિક સહીતની પ્રોડકટનું પ્રમોશન કરવામાં આવશે. જે પ્રોડકટનું પ્રમોશન કરવામાં આવનાર છે તેમાં કચ્છની સુફ એમ્બ્રોડરી, બાંધણી, જામનગરના બ્રાસપાર્ટ, સોમનાથના મત્સ્ય ઉત્પાદનો, સોરઠની સિંગદાણાની પ્રોડકટ, સુરેન્દ્રનગર જિલ્લાનું સિંગલ ઇક્કત વણાટ, જામખંભાળીયાની શાલ, મોરબીનું સિરામિક, ગીરની કેસર કેરી, ગ્રામ્ય સંસ્કૃતિનું મોતીભરત, સુરેન્દ્રદગરની ડાંગસીયા જાતિ દ્વારા બનાવાતી ટંગલીયા સાલનો સમાવેશ થાય છે.
