અખંડ ભારતના શિલ્પી અને લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂૂપે, તેમના વિચારો, આદર્શો અને રાષ્ટ્રનિર્માણના સ્વપ્નને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ’સરદાર ઽ 150 સ્વદેશી પદયાત્રા -2025’નું આયોજન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવ્યું છે. આ પદયાત્રા તા. 26 થી 28 ડિસેમ્બર 2025 દરમિયાન રાજકોટથી ખોડલધામ સુધી યોજાશે.
આ પદયાત્રાનો મુખ્ય હેતુ એ છે કે સરદાર પટેલના વિચારો માત્ર સ્મરણ સુધી સીમિત ન રહે, પરંતુ લોકોના દૈનિક જીવનનો ભાગ બને. સરદાર પટેલ માનતા હતા કે ભારતની સાચી શક્તિ તેની એકતા, શિસ્ત, આત્મવિશ્વાસ અને સ્વદેશી વિચારધારામાં છે. આ જ વિચારને આજના સમયના સંદર્ભમાં ફરી જીવંત બનાવવાનો પ્રયાસ આ પદયાત્રા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પદયાત્રા દ્વારા ખાસ કરીને સ્વદેશી વસ્તુઓને વધુમાં વધુ અપનાવવા અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ, દેશી ઉદ્યોગોને પ્રોત્સાહન અને વિદેશી નિર્ભરતા ઘટાડવાની ભાવના વિકસે તે આ યાત્રાનો મુખ્ય સંદેશ છે. રમેશભાઈ ટીલાળાના જણાવ્યા મુજબ સ્વદેશી અપનાવવું માત્ર આર્થિક નિર્ણય નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણની જવાબદારી છે.
આ પદયાત્રા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના ’સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારત બનાવો’ના સંકલ્પને પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આત્મનિર્ભર ભારત એટલે દેશ પોતાની જરૂૂરિયાતો પોતે પૂર્ણ કરે, રોજગાર સર્જન થાય અને ભારત વૈશ્વિક સ્તરે આત્મવિશ્વાસ સાથે ઉભો રહે-આ ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સરદાર પટેલે 562 રજવાડાઓનું એકીકરણ કરી ભારતને એકતાના સૂત્રમાં બાંધ્યું હતું. આ પદયાત્રા દ્વારા તેમની આ વિરાસતને સ્મરણમાં રાખી રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા, શિસ્ત અને દેશપ્રેમ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. યાત્રા દરમિયાન સરદાર પટેલના જીવનપ્રસંગો અને વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આગામી તા. 26 ના રોજ સવારે 7:00 વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ -ગોંડલ રોડ, રાજકોટથી પદયાત્રાને રાજકોટ ગુરુકુળના દેવકૃષ્ણદાસજી સ્વામી, મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી, આનંદી આશ્રમ શાપર ના મસ્તરામ બાપુ, રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી નિખીલેશ્વરાનંદજી, અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ના સંસદ પરસોતમભાઇ રૂૂપાલા પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉમિયાધામ સીદસરના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, ઉદ્યોગપતિઓ, દરેક સમાજના મંડળો, સેવાભાવી સંસ્થાના હોદેદારો, સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાશે.
પદયાત્રાના રૂૂટ પર ગામેગામ પદયાત્રીઓનું સ્વાગત કરવા ઉસ્તાહ પ્રવર્તી રહ્યો છે. આ પદયાત્રાનું તા. 28 ના રોજ સવારે 10 વાગે માં ખોડલને દિવ્ય ધ્વજારોહણ બાદ પદયાત્રાનું ભવ્ય સમાપન સમારોહ યોજાશે. જેના અધ્યક્ષ તરીકે કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા ઉપસ્થિત રહેશે, તેમજ ઉદ્ઘાટક તરીકે નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. રમેશભાઈ ટીલાળા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારી, સ્વદેશી અપનાવી અને આત્મનિર્ભર ભારતના નિર્માણમા સૌ સહભાગી બનીએ.
