ચોટીલામાં બાળકોના કોળિયા છીનવતા તત્ત્વો સામે ડે. કલેકટરની લાલ આંખ

થાનગઢનાં અમરાપર – 1 ના મધ્યાહ્ન ભોજન યોજનામાં પોલંપોલ ઝડપાતા સંચાલક અને રસોઈયાને છૂટા કરવા આદેશ, બાળકોની ખોટી હાજરી અને સુખડીના જથ્થામાં મસમોટી ચોરી પકડાઈ…

થાનગઢનાં અમરાપર – 1 ના મધ્યાહ્ન ભોજન યોજનામાં પોલંપોલ ઝડપાતા સંચાલક અને રસોઈયાને છૂટા કરવા આદેશ, બાળકોની ખોટી હાજરી અને સુખડીના જથ્થામાં મસમોટી ચોરી પકડાઈ

ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના અમરાપર ગામે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રમાં ચાલતી ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની ટીમે અમરાપર-1 (કેન્દ્ર નંબર 13) ખાતે ગઈ કાલે આકસ્મિક તપાસ હાથ ધરતા સંચાલકોની મનસ્વી કામગીરી અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.

તપાસ દરમિયાન ખુલેલી મુખ્ય ગેરરીતિઓ જોતા ગેરકાયદે ગેરહાજરી કેન્દ્રના સંચાલક અનિલભાઇ એન. અંદાણી અને રસોઇયા મીઠીબેન પીહલા મામલતદારની પૂર્વ મંજૂરી વિના જ કેન્દ્ર પર ગેરહાજર જણાતા હતા. ટેલિફોનિક પૂછપરછમાં સંચાલકે રજા વગર અમદાવાદ હોવાનું કબૂલ્યું હતું. સંખ્યામાં ચેડાં (ક્રોસ વેરિફિકેશન) વર્ધી બુકમાં 185 બાળકોએ ભોજન લીધું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, નાયબ કલેક્ટરે જાતે વર્ગખંડમાં જઈ બાળકોની પૂછપરછ કરતા માત્ર 153 બાળકોએ જ ભોજન લીધું હોવાનું ખૂલ્યું હતું. આમ, 32 બાળકોની ખોટી હાજરી બતાવી ગેરરીતિ આચરવામાં આવતી હતી.

સુખડીના જથ્થામાં ચોરી ’મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના’ હેઠળ 251 બાળકો માટે 12.5 કિલો સુખડી બનાવવાની થતી હતી, તેની સામે માત્ર 3 કિલો 700 ગ્રામ જ સુખડી બનાવેલી જોવા મળી હતી. આશરે 8 કિલો 800 ગ્રામ જેટલી સુખડી ઓછી બનાવી બાળકોના પોષણ સાથે ચેડાં કરવામાં આવતા હતા. રેકોર્ડનો અભાવ કેન્દ્ર પર કોઈ પણ પ્રકારનું સ્ટોક રજિસ્ટર કે ટેસ્ટ રજિસ્ટર નિભાવવામાં આવતું નહોતું. નિયમ મુજબ શિક્ષકે બાળકો સાથે બેસીને જમવાનું હોય છે, જેનું પણ પાલન થતું ન હોવાનું જણાયું હતું.

તપાસ દરમિયાન અધિકારીઓએ શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક સંવાદ કરી ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયની ગુણવત્તા પણ ચકાસી હતી. આ ઓચિંતી તપાસથી તાલુકાના અન્ય મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

કડક કાર્યવાહી કરી સંચાલક અને રસોઇયા બહેનને છૂટા કરવા અને વસુલાતના આદેશ
આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર બદલ નાયબ કલેક્ટરે તાત્કાલિક પગલાં લેતા સંચાલક અનિલભાઇ અંદાણી અને રસોઇયા મીઠીબેન પીહલાને ફરજ પરથી છૂટા કરવાનો આદેશ મામલતદારને આપ્યો છે. સાથે જ યોજનાના પ્રારંભથી અત્યાર સુધી વણવપરાયેલ જથ્થાની વસૂલાત કરવા પણ સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *