ગઈ કાલે શ્રી પાટીદાર યુવા સંઘ મોરબી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઉુતા ને રજૂઆત કરવા દોડી ગયા હતા ત્યારે વધુ એક વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મોરબી જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવામા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે મોરબી શહેરમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં વેપારીને વ્યાજખોરોએ 50 હજાર રૂૂપિયા વ્યાજે આપી તેની સામે 1,50,000 ની ઉઘરાણી કરી હતી અને કાર પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા જુના ગામમાં રહેતા અને વેપાર કરતાં અરવિંદભાઈ હરજીભાઈ પનારા (ઉ.વ.45) એ આરોપી ભરતભાઈ કાળુભાઈ ગોગરા રહે. લિલાપર રોડ બોરીચા વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી પાસેથી દસ દિવસ માટે રૂૂ.50,000/-વ્યાજે લીધેલ અને એસેન્ટ કાર નં.GJ-01-KN-8225 વાળી ગીરવે રાખેલ બાદ ફરીયાદી આરોપીને પૈસા પરત આપવા જતા વ્યાજ સહીત રૂૂ.1,50,000/- ની બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા કાર પરત નહી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો સળગી જઇ આપઘાત
મોરબી શહેરના શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય ગોદાવરીબેન મોહનભાઈ પનારા છેલ્લા બે-ત્રણ વર્ષથી બ્લડ પ્રેશર તથા માનસિક બિમારીથી પીડાતા હતા અને વિવિધ નાની-મોટી બિમારીઓને કારણે શારીરિક તકલીફ અનુભવતા હોય જેથી કોઈ પણ સમયે તેમણે પોતાના રહેણાંક મકાને જાતે જ સળગી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગોદાવરીબેનનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત
મોડપર ગામ નજીક 26 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. વાંકાનેર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિકાસ મુનેશભાઈ દીક્ષિત (ઉ.વ.26) નામના યુવાનને મોરબી તાલુકાના મોડપર ગામના પાટિયા નજીક વાહન અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
