રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા AIIMS રાજકોટમાં સારવાર માટે આવતાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર સરકારી આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારીને કારણે જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા દર્દીઓના સગાઓના સાથે રાખીને આજે રાજકોટના કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક હસ્તક્ષેપ અને નિરાકરણની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે રજૂઆતમાં ત્રણ અતિ ગંભીર મુદ્દાઓ રજૂ કરી જણાવ્યું કે સરકાર અને આરોગ્ય વિભાગની વહીવટી નિષ્ફળતાનો સીધો ભોગ નિર્દોષ દર્દીઓ બની રહ્યા છે.
(1) થેલેસેમિયા મેજર દર્દીઓને Desferal Injection છેલ્લા ત્રણ વર્ષથી ન મળવાનો ગંભીર મુદ્દો: થેલેસેમિયા મેજર રોગથી પીડિત દર્દીઓને દર 1015 દિવસે બ્લડ ચડાવવું ફરજિયાત હોય છે, જેના કારણે તેમના શરીરમાં આયર્ન (Iron)નું પ્રમાણ અત્યંત વધી જાય છે. આ વધેલા આયર્નના કારણે દર્દીઓને હૃદય, લીવર, સ્વાદુપિંડ, ડાયાબિટીસ જેવી ગંભીર તથા જીવલેણ તકલીફો સર્જાય છે, ખાસ કરીને 18 વર્ષથી ઉપરના દર્દીઓમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે.
આ આયર્ન લેવલને નિયંત્રણમાં રાખવા માટે દર્દીઓને દરરોજ 4 થી 6 Desferal Injection લેવું અનિવાર્ય છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી નિ:શુલ્ક આપવાનું હોવા છતાં, હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ Desferal Injection સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને આપવામાં આવ્યા નથી. હાલ બજારમાં આ ઇન્જેક્શન રૂૂ. 300 પ્રતિ દરે વેચાય છે. એટલે કે એક દર્દીને દરરોજ રૂૂ. 1200 થી 1500 સુધીનો ખર્ચ કરવો પડે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અશક્ય છે.
સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દીઓના સગાને જણાવવામાં આવે છે કે તેમણે (સિવિલ હોસ્પિટલ) ઉપર સરકારમા રજૂઆત કરી છે અને સરકાર કંપનીને ઓર્ડર કરે છે, જ્યારે કંપની તરફથી કહેવામાં આવે છે કે સ્ટોક ઉપલબ્ધ નથી. પરંતુ હકીકત એ છે કે આ જ ઇન્જેક્શન ખાનગી બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ છે ! જે સરકારના આરોગ્ય વિભાગ અને કંપની વચ્ચેની વહીવટી ગૂંચવણને સ્પષ્ટ કરે છે. જો સરકાર સિવિલ હોસ્પિટલને સીધી રીતે કંપની પાસેથી ઇન્જેક્શન ખરીદવાની મંજૂરી આપે તો પણ આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ આવી શકે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ વિભાગો એકબીજાને જવાબદારી ધકેલી રહ્યા છે જે અત્યંત શરમજનક બાબત છે.
(2) આંખની સારવાર માટે પેરીમીટ્રી (Perimetry) રિપોર્ટ ન મળવો: રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા AIIMS રાજકોટમાં આંખના ગંભીર રોગો, ખાસ કરીને ગ્લોકોમાના નિદાન માટે ફરજિયાત પેરીમીટ્રી (Perimetry) ટેસ્ટ કરવાની ડોક્ટરો દ્વારા સૂચના આપવામાં આવે છે. પેરીમીટ્રી એ આંખના વિઝ્યુઅલ ફીલ્ડ (દૃષ્ટિક્ષેત્ર) ચકાસવાનું ટેસ્ટ છે. આંખ સામે સીધી નજર રાખીને આસપાસ (ડાબેજમણે, ઉપરનીચે) કેટલી દૂર સુધી દેખાય છે અને ક્યાં ભાગમાં દેખાતું ઓછું છે કે નથી તે આ ટેસ્ટ દ્વારા જાણવા મળે છે.
પરંતુ આ મહત્વપૂર્ણ ટેસ્ટ માટેની મશીનરી રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા AIIMS રાજકોટમાં લાંબા સમયથી બંધ હાલતમાં છે. પરિણામે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોંઘા રિપોર્ટ કરાવવા મજબૂર થવું પડે છે છતાં આજદિન સુધી કોઈ અસરકારક અને ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી તે દુ:ખદ બાબત છે.(3)સિવિલ હોસ્પિટલ રાજકોટમાં એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની અછત: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ કુલ 5 એમ્બ્યુલન્સ, 1 શબવાહિની અને 1 છોટા હાથી સહિત કુલ 7 વાહનો ઉપલબ્ધ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વાહનો કોઈના કોઈ કારણોસર ખોટકાયેલા અથવા તો બંધ હાલતમા જ હોય જેથી ગંભીર અછત સર્જાઈ છે.
નિયમ મુજબ સરકારી એમ્બ્યુલન્સ પ્રતિ કિલોમીટર રૂૂ. 2 ના દરે મળવી જોઈએ, પરંતુ સરકારી વાહનો ન મળતાં દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સ માટે પ્રતિ કિલોમીટર રૂૂ. 8 જેટલો ખર્ચ કરવો પડે છે. મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનો માટે પણ એકમાત્ર શબવાહિની ઉપલબ્ધ ન હોવાથી પાર્થિવ દેહને વતન લઈ જવામાં ભારે આર્થિક અને માનસિક પીડા સહન કરવી પડે છે. હોસ્પિટલના પીઆરઓ જણાવ્યા મુજબ સરકાર સમક્ષ 5 નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક માંગણી કરવામાં આવી છે, પરંતુ માંગણી ક્યારે પૂર્ણ થશે અને ત્યાં સુધી ગરીબ દર્દીઓને ક્યારે રાહત મળશે તે ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. આ પરિસ્થિતિનો લાભ લઈ ખાનગી એમ્બ્યુલન્સ અને શબવાહિની સંચાલકો ગરીબ દર્દીઓ પાસેથી મનફાવે તેવા ઊંચા દરો વસૂલી રહ્યા છેજે સરાજાહેર લૂંટ સમાન છે. તેઓએ રજૂઆત સાથે માંગ કરી હતી.
અંતમા જણાવ્યુ છે કે તંત્રની બેદરકારીના કારણે કોઈ દર્દીનું જીવ જાય તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ.તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગરીબ દર્દીઓને રાહત આપો તેવી માંગણી કરવામા આવી છે. કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ કે સરકાર તરફથી આ ત્રણેય બાબતે નિરાકરણ નહીં આવે તો જરૂૂર પડ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટ આવનાર છે તો દર્દીઓના સગાને સાથે રાખી રજુઆત કરીશું.
