દોઢ લાખથી વધુ ભાવિકો ભક્તિના રંગે રંગાયા, 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોનો ઉપયોગ, 70થી 80 ફૂટ ઉંચા 500 કલર બ્લાસ્ટ કરાયા
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ બોટાદ જીલ્લાના સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
રંગોત્સવની શરૂૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી.
આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી બનાવડાવામાં આવ્યો હતો. આ વખતે મુખ્યત્વે ચાર રંગો – પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા. આ ઉપરાંત, ઉત્સવમાં 1000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર) સહિત અનેક સંતો અને દેશ દુનિયાથી પધારેલા 1.50 લાખથી વધુ સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા. આજે સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું. આ પછી સંતોને રંગ લાગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો. જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો.
” ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો – યુવતીઓ, ભાઈઓ – બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે – સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે આવ્યા હતા..
