જૈન પરંપરાના 24 તીર્થંકરોના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં થયો હતો. રાજવી હોવા છતાં તેઓએ ગૃહત્યાગ કર્યો, કઠોર તપસ્યા કરી અને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી. પછી માનવજાતનાં કલ્યાણ અર્થે પોતાના ઉપદેશ અભિયાનમાં જોડાઈ ગયા. પ્રારંભમાં 12 ગણધરો તેમના શિષ્ય થયા. આપણી પરંપરા મહાવીર સ્વામીને આયુષ્યમાં બુદ્ધ કરતાં મોટા માને છે. તેઓએ પોતાનો ઉપદેશ લોકોની બોલચાલની અર્ધમાગધી ભાષામાં અને ભગવાન બુદ્ધે પાલી ભાષામાં આપવાનું શરૂૂ કર્યું. પરિણામે સંસ્કૃત ભાષામાં બોલાતી, યજ્ઞ પ્રથા કેન્દ્રિત, વૈદિક પરંપરાનો અન્ત થયો.
જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતને ત્રિરત્ન કહેવામાં આવે છે. જેમાં સમ્યક જ્ઞાન, સમ્યક વિશ્વાસ અને સમ્યક આહારનો સમાવેશ થાય છે. અહીં સમ્યકનો અર્થ પૂર્ણરૂૂપી શુદ્ધ એવો થાય છે. આ રીતે મહાવીરે શુદ્ધ આચરણ અને જ્ઞાનનો સંદેશ આપીને પોતાના અનુયાયીઓને સન્માર્ગે દોર્યા. તેઓના પ્રથમ મહાન શિષ્યોમાં ભદ્રબાહુ અને સ્થુલીભદ્ર મુખ્ય ગણાય છે. મહાવીરની હયાતી દરમ્યાન ઉત્તર ભારતમાં ભિષણ દુકાળ પડ્યો. તેથી કેટલાક અનુયાયીઓ દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા. અહીં તેઓએ જૈન ધર્મના નિયમોનું ચુસ્ત પાલન કર્યું. તેઓ મહાવીરની નગ્નતાનો સાંકેતિક અર્થ સમજી ન શક્યા અને પોતે નગ્ન અવસ્થામાં રહેવા લાગ્યા. તેથી તેઓ દિગંબરપંથી કહેવાયા.
જૈન ધર્મના જે અનુયાયીઓ દુકાળ હોવા છતાં ઉત્તર ભારતમાં રહ્યા અને વ્યવહારૂૂ દૃષ્ટિ અપનાવીને શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં તેઓ શ્વેતાંબરપંથી કહેવાયા. જૈન ધર્મના પાલનમાં પણ તેઓ લચીલાપણું દાખવ્યું. પરિણામે, આજે જૈન ધર્મમાં શ્વેતાંબરવાસીઓ બહુમતીમાં છે. તેમના આચાર્યો અને સંત મહાત્માઓની સંખ્યા પણ ઘણી વધારે છે. તેની સરખામણીમાં દિગંબર આચાર્યો અને અને અનુયાયીઓની સંખ્યા ઘણી ઓછી છે. દિગંબર અને શ્વેતાંબર એમ જૈન ધર્મના આજે બે મુખ્ય પંથો છે. શ્વેતાંબર પંથ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી એમ ત્રણ ફાંટાઓમાં વહેંચાયેલો છે. જૈન ધર્મના સિદ્ધાંતોને સમજવા અને પાલન કરવા બહુ કઠણ હોવાને કારણે તેના અનુયાયીઓની જનસંખ્યા ભારત અને વિશ્વના અન્ય દેશો મળીને 50 લાખ કરતાં ઓછી છે.
જૈન ધર્મના સિદ્ધાંતો : (1) અહિંસામાં પરમ વિશ્વાસ (2) જાતિ પ્રથામાં ન માનવું. (3) આત્માનો સ્વીકાર. તેને પદાર્થ તરીકે, એટલે કે ઉદગલ રૂૂપ હોવાનું, માનવું. (4) આત્મા વ્યક્તિના પુનર્જન્મનું કારણ. આત્માને શ્રમ, ગરમી કે ઠંડી ન લાગે તેથી તે નિત્ય દિગંબર છે. (5) કોઈ પણ પ્રકારનાં કર્મકાડ કે શ્રાદ્ધક્રિયામાં ન માનવું. (6) અહિંસાનો આગ્રહ હોવાથી આ ધર્મમાં કૃષિનું કોઈ મહત્ત્વ નથી, પણ તેઓ વેપાર ઉદ્યોગમાં માને છે. (7) તેઓમાં ઈશ્વર કે ભગવાન જેવા કોઈ પુજ્યો નથી. તેથી તેઓ મૂર્તિપુજામાં નથી માનતા. જોકે, 24 તીર્થંકરોમાં તેમની અનન્ય શ્રદ્ધા હોવાને કારણે તેમની પ્રથામાં આ તીથંકરોની મૂર્તિને સ્થાન મળ્યું છે. અહિંસા પાલન, સત્ય વચન, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય પાલન અને અપરિગ્રહ તેમનાં પાંચ મહાવ્રતો છે. જોકે બ્રહ્મચર્યપાલન સામાન્ય રીતે શ્રાવકો કરતાં આચાર્યો અને સંતોને બંધનકર્તા છે. (8) સૃષ્ટિ અનંત અને અનાદિ છે. કોઈ ઈશ્વર આ સૃષ્ટિનો કર્તા નથી. (9) અરિહંતો, સિદ્ધો, અને ઉપાધ્યાયો (ગુરુઓ)માં જૈનોને ખુબ શ્રધ્ધા છે. (10) મહાવીર સ્વામીનું ધ્યાન શુક્લ અથવા તો શ્વેતધ્યાન કહેવાય છે.
તેમાં ઉગ્ર તપ અને અપવાસ સાથે ધ્યાનક્રિયા કરવામાં આવે છે. (11) જૈન ધર્મ કર્મવાદના સિદ્ધાંતમાં માને છે. માનવ જીવનનાં સુખદુ:ખ કર્મના સિદ્ધાંત પર આધારિત છે. જીવાત્મા પોતે શુદ્ધ છે, પણ સંસારમાં રહેવાને કારણે તે કર્મોથી બાધિત બને છે. (12) જૈન ધર્મએ વિશ્વને સ્યાદવાદ અને અનેકાંતવાદના અદ્વિતિય સિદ્ધાંતો આદર્શો આપ્યા છે. આ સિદ્ધાંતોનો અર્થ એ થાય છે કે એક જ પદાર્થ કે વિચારમાં નિત્યતા અને અનિત્યતા, સાદ્શ્યતા અને વિરૂૂધ્ધતા, અભિલાષા અને અનઅભિલાષા હોઈ શકે છે. આ સત્યનો સ્વીકાર કરીએ તો અન્ય વિરોધી વિચારધારાનો સ્વીકાર પણ શક્ય બને છે અને પરિણામે વિશ્વમાં શાંતિ શક્ય બની શકે છે. (13) માનવમાત્રમાં કષાયો, એટલે કે અવગુણો, હોય છે. તેના ચાર પ્રકારોમાં ક્રોધ, માન, માયા તથા લોભ મુખ્ય છે. આ ચાર અવગુણો પર દરેક જૈને સંયમ કેળવવાનો હોય છે. (14) સન્યાસ સંથારો: કેટલાયે મહાસાધુશ્રીઓ અને મહાસતીજીશ્રીઓએ આકરાં તપ અને અન્નજળનો ત્યાગ કરી, દેહનો અંત આણીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
જૈન ગ્રંથો : જૈન ગ્રંથોને આગમો કહેવામાં આવે છે. તેમાં મહાવીર સ્વામીના જીવનના પ્રસંગો, તેમના સિદ્ધાંતો અને ઉપદેશો તેમ જ જૈન ધર્મના આચાર્યો અને મુનિઓએ કાઈ રીતે જીવન જીવવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. સાધ્વીઓને પણ જૈન ધર્મમાં ખાસ સ્થાન મળ્યું છે. એટલે જૈન મુનિઓને લાગુ પડતા સિદ્ધાંતો સાધ્વીઓને પણ લાગુ પડે છે. દિગંબર સંપ્રદાયનાં આગમો : દિગંબર પંથીઓનાં મુળ 25 આગમો હતાં, પણ કાળક્રમે તે લુપ્ત થયાં. તેથી દિગંબર સંપ્રદાય મુળ આગમો પરથી રચાયેલા ગ્રંથોને સ્વીકારે છે. ષટ્ખંડાગમ અને કષાય પ્રવૃત એમ બે તેના મુખ્ય ખંડો છે. તે ઉપરાંત ધર્મક્થા, ચરણ અનુયોગ, ગણિત અનુયોગ અને દ્રવ્ય અનુયોગ એ ચાર અનુયોગ છે. ચરણ અનુયોગમાં આચરણ અંગે અને ગણિત અનુયોગમાં બ્રહ્માંડ સંબંધી ચર્ચા છે.
શ્વેતાંબર સંપ્રદાયના આગમો : શ્વેતાંબર સંપ્રદાયના ત્રણેય પંથો 32 આગમોમાં માને છે. (1) અનુયોગ ઉપાંગ, જેમાં આગમોની વ્યાખ્યા કરવામાં આવી છે (2) છેદ સૂત્રો, જેમાં નૈન ભિક્ષુઓ અને ભિક્ષુણીઑ માટે આચાર આહાર વિહારના આદેશો આપવામાં આવ્યા છે. (3) મૂળ સૂત્ર, જેમાં ઉપરોકત વર્ગ જ્યારે ભિક્ષુ વર્ગમાં દાખલ થાય છે ત્યારે તેમને પાળવા પડતા નિયમો આપવામાં આવ્યા છે. (4) તૂલિકા સૂત્ર, જેમાં જૈન સિદ્ધાંતોમાં વપરાયેલા શબ્દો અને વાક્યોનાં અર્થઘટન કરવામાં આવ્યાં છે. (5) પ્રકીર્ણ, જેમાં જૈન ધર્મના સિદ્ધાંતો પર વધારાના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે.
