કબા ગાંધીના ડેલો અને સાબરમતી આશ્રમનો વહિવટ શિક્ષણ વિભાગ પાસેથી આંચકી લેવાયો

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, કબા ગાંધીનો ડેલો, રાજકોટ અને સાબરમતી આશ્રમ સુરક્ષા અને…

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, કબા ગાંધીનો ડેલો, રાજકોટ અને સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, અમદાવાદનો વહીવટ હવે શિક્ષણ વિભાગમાંથી તબદીલ કરી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સોંપવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગના તા. 23-10-2026 ના ઠરાવ ક્રમાંક ED/MSM/e-file/3/2022/6051/ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઠરાવ રાજ્યપાલના હુકમથી બહાર પાડવામાં આવ્યો છે. ઠરાવમાં જણાવ્યા મુજબ, ગાંધીજી સાથે સંકળાયેલા આ બે મહત્વના સ્મારકો અને ટ્રસ્ટોનો વિકાસ, જાળવણી અને વહીવટ વધુ સારી રીતે થઈ શકે તે હેતુથી આ તબદીલી કરવામાં આવી છે. સંસ્કૃતિ વિભાગ સાંસ્કૃતિક વારસા અને સ્મારકોની જાળવણી માટેનું નોડલ વિભાગ હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.

ઠરાવમાં બજેટની જોગવાઈ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27 સુધીનું બજેટ શિક્ષણ વિભાગ દ્વારા જ ફાળવવામાં આવશે, જ્યારે 2027-28 ના વર્ષથી આ બંને ટ્રસ્ટોનું બજેટ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ફાળવવામાં આવશે. આ ઉપરાંત સ્ટાફ, મિલકત અને અન્ય વહીવટી બાબતોની તબદીલી પણ તબક્કાવાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કબા ગાંધીનો ડેલો રાજકોટમાં ઘી કાંટા રોડ પર આવેલો છે, જ્યાં મહાત્મા ગાંધીએ પોતાના બાળપણના વર્ષો વિતાવ્યા હતા. હાલ તે ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ તરીકે કાર્યરત છે. જ્યારે સાબરમતી આશ્રમ એ દેશના સૌથી મહત્વના ગાંધી સ્મારકોમાંનું એક છે. હવે સંસ્કૃતિ વિભાગ હસ્તક આવવાથી આ બંને સ્થળોના વિકાસ, પ્રવાસન અને ગાંધી વિચારના પ્રચાર-પ્રસારને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *