જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી નજીક ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેનને પાટા પરથી ઉથલાવી મોટી દુર્ઘટના સર્જવાના અને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને લૂંટવાના ઇરાદાથી કરવામાં આવેલા ગંભીર ગુનામાં બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં અદાલતે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી જન્મટીપની સખત કેદની સજા ફટકારી છે. રેલવે ટ્રેક સાથે ચેડાં કરીને અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકવાના આ કેસમાં પોલીસ તપાસ, દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે અદાલતે આ નિર્ણય સંભળાવ્યો હતો.
મળતી વિગતો મુજબ, તા. 25 સપ્ટેમ્બર, 2024ના રોજ ભાવનગર ડિવિઝનની ઓખા ભાવનગર ટ્રેન નંબર 19210 ઓખાથી નીકળીને સુરેન્દ્રનગર, લીંબડી અને રાણપુર થઈ બોટાદ તરફ જઈ રહી હતી. દરમિયાન કુંડલી અને બોટાદ વચ્ચે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન સાથે કોઈ વસ્તુ અથડાતાં ટ્રેન અચાનક ઊભી રહી ગઈ હતી.
ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડે નીચે ઉતરી તપાસ કરતાં રેલવે ટ્રેક પર શંકાસ્પદ ચેડાં થયાં હોવાનું સામે આવ્યું હતું. રેલવેના પાટા વચ્ચે લોખંડનો ટુકડો ગોઠવવામાં આવ્યો હોવા ઉપરાંત સ્લીપર અને બેલાસ્ટના ભાગમાં ખાડો કરીને પાટાને નુકસાન પહોંચાડે તેવી ગોઠવણ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટનાને કારણે ટ્રેનના સંચાલન અને મુસાફરોની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું હતું.
આ ગંભીર બનાવ અંગે ભાવનગર ડિવિઝનમાં સિનિયર સેક્શન ઇજનેર તરીકે ફરજ બજાવતા હરકેશ મથુરલાલ મીણાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડવાના આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી હતી.
કેસની તપાસ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને આ ગુનામાં સંડોવાયેલા હોવાના આરોપસર અણવ ગામના બે શખ્સો રમેશભાઈ ઉર્ફે રમુડીયો કાનજીભાઈ સલીયા, જયેશભાઈ ઉર્ફે જયલો નાગરભાઈ બાવળીયાની ધરપકડ કરવામાં આવી હતી.
બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન સરકાર પક્ષે કેસને સમર્થન આપવા માટે કુલ 55 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ ઉપરાંત 15 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. સરકાર પક્ષે રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓની જુબાનીઓના આધારે અદાલતે કેસની સુનાવણી હાથ ધરી હતી.
સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાએ દલીલો રજૂ કરી હતી. તેમની દલીલો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં લઈને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી મનીષસહાય જે. પરાશરે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા.
