રાજકોટ મહાનગરપાલિકામાં સુચિતના પ્રોટેકશન મની, ટી.પી.ના કાળાધોળા, ગેરકાયદે બાંધકામો, ટેન્ડરના સેટિંગ અને જગ્યા રોકાણ વિભાગના સેટિંગ બાદ હવે માલ જપ્તીમાં ટકાવારીનો ખેલ બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
કોર્પોરેશનમાં નવી ચુંટાયેલી બોડી હજુ ઠરીઠામ પણ થઇ નથી ત્યાન માલ-સામાન જપ્તીમાં 10 ટકા કમિશનના એક વીડીયોથી ચર્ચા જાગી છે. આ મામલો આગામી દિવસોમાં રાજકીય રીતે સળગે તેવી પુરી શકયતા દર્શાવાઇ રહી છે. જો કે, આ વીડીયો ઇરાદાપુર્વક ઉતારવામાં આવ્યો છે કે, હકિકતનો પર્દાફાશ કરવા માટે વાયરલ કરાયો છે તે અંગે કોઇ સ્પષ્ટતા થતી નથી.
રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અને ’સેટિંગ’ના ખેલનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મ્યુનિસિપલ વર્તુળો અને રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
વાયરલ થયેલા વિડીયોમાં કોર્પોરેટરના પતિ અન્ય વ્યક્તિ સાથે બિનદાસ્ત વહીવટની વાતો કરતા નજરે પડે છે. વાતચીત દરમિયાન તેઓ સ્પષ્ટપણે સ્વીકારે છે કે મનપાના વિવિધ વોર્ડ મુજબ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચોક્કસ ટકાવારી નક્કી હોય છે. ગેરકાયદે બાંધકામ કે કામગીરી ચાલુ રાખવા માટે કર્મચારીઓને 10 ટકા જેટલો હિસ્સો આપવો પડે છે, અને આ ભાગીદારી વગર કોઈપણ કામ પાર પડવું અશક્ય છે.
વિડીયોમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે જો અધિકારીઓ સાથે ટકાવારીનું સેટિંગ ન થાય તો મનપાની ગાડીઓ પહોંચી જાય છે, કામ અટકાવી દેવાય છે, નોટિસો ફટકારવામાં આવે છે અને સીલ મારી સામાન જપ્ત કરી લેવાય છે. પરંતુ 10 ટકાની લેવડદેવડ પાકી થતાં જ મનપાના કર્મચારીઓ આંખ આડા કાન કરી દે છે અને કામગીરી કોઈપણ રોકટોક વગર ચાલવા દે છે. માત્ર સેટિંગ કરાવી આપવાના નામે પણ ટકાવારી વસૂલાતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
એક તરફ વિપક્ષ શાસકો પર ભ્રષ્ટાચારના આરોપો લગાવે છે, ત્યારે વિપક્ષી કોર્પોરેટરના જ પરિવારજન દ્વારા મનપા સ્ટાફ સાથે કમિશનખોરીની કબૂલાત કરતો વિડીયો સામે આવતાં રાજકીય મોરચે સન્નાટો છવાઈ ગયો છે. આ વિડીયો બાદ મ્યુનિસિપલ કમિશનર આ મામલે તપાસના આદેશ આપી સંડોવાયેલા કર્મચારીઓ સામે કડક પગલાં ભરશે કે કેમ, તે જોવું રહ્યું.
