તોયબાનો સહસ્થાપક આતંકવાદી હમઝા અજ્ઞાત ગોળીબારમાં મરાયો

ભારત તરફ શંકાની સોય: કાશ્મીરમાં અનેક હુમલાઓનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદનો રાઇટ હેન્ડ હતો પાકિસ્તાનમાં ફરી એકવાર ’અજ્ઞાત બંદૂકધારી’ સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા…

ભારત તરફ શંકાની સોય: કાશ્મીરમાં અનેક હુમલાઓનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદનો રાઇટ હેન્ડ હતો

પાકિસ્તાનમાં ફરી એકવાર ’અજ્ઞાત બંદૂકધારી’ સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને હાફિઝ સઈદના અત્યંત નજીકના ગણાતા આતંકી અમીર હમઝા પર જીવલેણ હુમલો થયો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પો સાથે આ હમઝાન સીધો સંપર્ક ઘરાવીને ઘુસણખોરો તૈયાર કરતો હતો.

લાહોરના એક ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર અજ્ઞાત હુમલાખોરોએ અમીર હમઝાને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, ગોળીબારની આ ઘટનામાં અમીર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂૂ કરી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરોનો કોઈ પત્તો મળ્યો નથી. આજે બપોરે હોસ્પિટલ સત્તાવાળાઓએ ઘવાયેલા હમઝાને મૃત્યુ પામેલો જાહેર કરતાં તોયબાની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો હતો.

અમીર હમઝા લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંનો એક છે અને તે આતંકી હાફિઝ સઈદનો ખૂબ જ નજીકનો સાથી માનવામાં આવે છે. હમઝા ભારત વિરુદ્ધ અનેક આતંકી કાવતરાંઓ અને મોટા હુમલાઓનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે. ભારત સરકારે લાંબા સમયથી તેને વોન્ટેડ લિસ્ટમાં રાખ્યો છે. આ હુમલા અંગે લશ્કરએ તોયબાના એક પ્રવકતાએ ભારત તરફ શંકાની સોય વ્યકત કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકીઓને એક પછી એક નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ પણ અનેક આતંકીઓ અજ્ઞાત હુમલાખોરોનો શિકાર બની ચૂક્યા છે. આ તાજા હુમલા બાદ પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા આતંકીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ હુમલા પાછળ કોનો હાથ છે તે હજુ રહસ્ય બનેલું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *