જંગલેશ્વર ડિમોલિશનના ટેન્શનમાં ભાડુઆતનું હાર્ટએટેકથી મોત

તંત્ર દ્વારા નોટિસ અપાયા બાદ મકાન માલિકે કહ્યું મકાન ખાલી કરી તું ભાડે મકાન શોધી લે અને હું પણ શોધું રાત્રે મકાન ખાલી કરવાના ટેન્શનમાં…

તંત્ર દ્વારા નોટિસ અપાયા બાદ મકાન માલિકે કહ્યું મકાન ખાલી કરી તું ભાડે મકાન શોધી લે અને હું પણ શોધું

રાત્રે મકાન ખાલી કરવાના ટેન્શનમાં સૂતા બાદ ઉંઘમાં જ દમ તોડી દીધો; પરિવારજનોમાં કલ્પાંત

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રૂા.400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર મકાનોને તોડી પાડવા ડિમોલીશનની નોટિસો આપવામાં આવી છે. જેને પગલે મકાન માલીકે ભાડુઆતને મકાન ખાલી કરી અન્ય શોધી લેવા જણાવતાં ભાડુઆત પરપ્રાંતિય યુવાન મકાન ખાલી કરવાના ટેન્શનમાં રાત્રે સુતા બાદ સવારે ઉઠયો જ ન હતો. ઉંઘમાં જ હાર્ટએટેક આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. જંગલેશ્ર્વરમાં ડિમોલીશનની નોટિસો બાદ આ વિસ્તારમાં મકાનના ભાડામાં તોતીંગ વધારો થયો છે. જેને કારણે મજુર પરિવારને મકાન મળવામાં મુશ્કેલી ઉભી થયાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્ર્વરમાં શેરી નં.10માં ખોડીયાર મંદિર પાસે રહેતો રામપ્રસાદ માયારામ ચૌહાણ (ઉ.44) નામનો યુવાન ગઈકાલે રાત્રે સુતા બાદ આજે સવારે ઉઠયો જ ન હતો. તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણગયાનું જાહેર કર્યુ હતું. તબીબો દ્વારા ઉંઘમાં જ હાર્ટએટેક આવી ગયાનું જણાવવામાં આવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભકિતનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક રામપ્રસાદ છ ભાઈ એક બહેનમાં મોટા અને તેમને સંતાનમાં ચાર પુત્ર હોવાનું ંજાણવા મળ્યું છે. તેઓ મુળ યુપીના વતની છે અને હાલ પરિવાર સાથે રાજકોટમાં રહી કારખાનામાં મજુરી કામ કરતાં હતાં. તેઓ જંગલેશ્ર્વરમાં ફરીદભાઈ કાસમભાઈ કોરડીયાના મકાનમાં 10 વર્ષથી ભાડે રહે છે. જો કે તાજેતરમાં કલેકટર તંત્ર દ્વારા જંગલેશ્ર્વર વિસ્તારમાં ગેરકાયદેસર મિલકતોનું ડિમોલીશન કરવા માટે નોટિસો આપવામાં આવી હોય જેમાં ફરીદભાઈને પણ નોટિસ આવતાં તેમણે ભાડુઆત રામપ્રસાદને કહ્યું હતું કે, ‘તું મકાન ખાલી કરી અન્ય જગ્યાએ મકાન શોધી લે, અને હું પણ મકાન શોધું છું’ જેથી રામપ્રસાદ મકાન શોધતો હતો પરંતુ જંગલેશ્ર્વરમાં ડિમોલીશનની નોટિસો બાદ મકાનના ભાડા ખુબ વધી ગયા હોય અને મકાન ન મળતું હોવાથી તેમણે કંટાળી તેમની પત્ની રાણીદેવીને ‘આપણે આવતી પાંચ તારીખે વતનમાં જતાં રહીએ’ તેવું કહ્યું હતું. બાદમાં ગત રાત્રે તેઓ મકાન ખાલી કરવાના ટેન્શનમાં સુઈ ગયા હતાં. સવારે તેના પત્ની જગાડવા જતાં તેઓ ઉઠતાં ન હોય બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામાં આવતાં ઉંઘમાં જ હાર્ટએટેક આવી ગયાનું જાણવા મળ્યું હતું. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

રેલનગરમાં બેંક કર્મચારીને હૃદયરોગનો હુમલો ભરખી ગયો
રેલનગરમાં આવેલા શિવમપાર્ક શેરી નં.7માં રહેતા અમીનભાઈ ટપુભાઈ ડાભી (ઉ.59) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે પોતાના ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક અમીતભાઈ બે ભાઈ એક બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ બેંક ઓફ બરોડામાં કર્મચારી હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *