જામનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ કે જે જર્જરિત થઈ જતાં તેના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે, અને તે સ્થળે નવા બસ ડેપોના નિર્માણ માટે ગઈકાલે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો.ત્યારબાદ આજથી નવા અને હંગામી બસ ડેપો તરીકે પ્રદર્શન ગ્રાઉન્ડમાં 10,000 ચોરસ મીટર જગ્યામાં એસટી બસ ડિવિઝન નું નિર્માણ કરવામાં આવ્યું છે, અને ત્યાંથી લગભગ અઢી વર્ષ સુધી એસ.ટી ડિવિઝન દ્વારા સંચાલન કરવામાં આવશે. જેનો આજથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે, અને વહેલી સવારથી જામનગર થી અલગ અલગ રૂૂટ માટે ઉપડતી એસટી બસોને રવાના કરવામાં આવી રહી છે.
જે માટેનો તમામ જરૂૂરી સ્ટાફ પ્રદર્શન મેદાનમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યો છે. એડવાન્સ બુકિંગ, પૂછપરછ વિભાગ સહિતની અલગ અલગ વિન્ડો કાર્યરત થઈ ગઈ છે, અને તે માટે ચોવીસેય કલાક માટે જરૂૂરી સ્ટાફ ને તહેનાતમાં રાખવામાં આવ્યો છે. હંગામી બસ ડેપોમાં અલગ અલગ નવ પ્લેટફોર્મ બનાવાયા છે, અને ત્યાંથી સમગ્ર રાજ્યમાં અલગ અલગ રૂૂટ પર બસો મોકલવા માટેના એસ.ટી. બસના રૂૂટ નો પ્રારંભ થઈ ગયો છે. આવનારા દિવસોમાં કોઈ સમસ્યાઓ સર્જાશે, તો તેને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. એસ.ટી. બસમાં મુસાફરી કરવા માટે આવનારા લોકો માટે હવે જુના બસ સ્ટેન્ડને બદલે પ્રદર્શન મેદાનના હંગામી બસ ડેપો પર પહોંચવા માટેનો અનુરોધ કરાયો છે.
