આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવીને દેશભરમાં હોળી બાદ દિવાળી જેવો માહોલ સર્જી દીધો છે. આ બધા વચ્ચે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની ’વિક્ટરી પરેડ’ ક્યારે યોજાશે, તેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા હતી એનો જવાબ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિક્ટરી પરેડ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમની આ જીત સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કરવા માટે મુંબઈમાં એક ભવ્ય વિજય પરેડ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે.
તેમણે એવો અંદાજો પણ આપ્યો હતો કે ટીમ ઈન્ડિયા દિલ્હીથી જેવી મુંબઈ પાછી આવશે કે તરત જ તેમની વિક્ટરીનું સેલિબ્રેશન કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2007 અને 2024ની જેમ જ આ વખતે પણ વિજય પરેડ મુંબઈના મરીન ડ્રાઈવથી શરૂૂ થઈને વાનખેડે સ્ટેડિયમ સુધી યોજાઈ શકે છે. વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે, જ્યાં બીસીસીઆઈના પદાધિકારીઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહેશે. જોકે, આ બાબતે હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી.
