મારણ કરી મિજબાની માણી, વિદ્યાર્થીઓને ડેલા બહાર જ રોકી દેવાયા
ઉનાના ઉમીયાનગર આશિર્વાદ સોસાયટી નજીક આવેલી ગાયત્રી વિદ્યાલયમાં વહેલી સવારે સિંહ ઘુસી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. તાત્કાલીક ધોરણે વન વિભાગને જાણ કરવાાં આવતા સિંહને જંગલ તરફ ભગાડી મુકવામાં આવ્યો હતો.
વહેલી સવારે બનેલી આ ઘટનાની વિગતો મુજબ સિંહ પ્રાથમિક શાળાની દિવાલ કુદીને શાળામાં પ્રવેશ્યા બાદ ત્યાં વાછરડાનું મારણ કરી મિજબાની માણતો હતો. દરમ્યાન નિર્ધારીત સમયે શિક્ષકો શાળામાં આવતા ભયના માર્યા ધ્રુજી ઉઠયા હતા.
બાળકોને શાળાની બહાર જ રોકી દઇને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. શાળાના રૂમના દરવાજા બંધ કરીને શિક્ષકો પુરાય ગયા હતા.
સિંહ એ આખી શાળાનાં તમામ બિલ્ડીંગ માં અંદર બહાર અને ગ્રાઉન્ડમાં આંટા ફેરા મારતાં દેકારો મચી ગયો. અચાનક જ શાળાની દીવાલ ઠેકી આવી ચડેલાં સિંહને ભગાડવા વન્ય અધિકારી દોડી આવી સિંહ ભગાડી મુક્યા બાદ શાળાની અંદર છાત્રોને પ્રવેશ આપ્યો હતો. અવારનવાર શાળાની ઊંચી કમ્પાઉન્ડ વોલની દિવાલો ઠેકી દિપડા આવી ચડે છે અને આજે વહેલી સવારે સિંહ ધુસી આવતાં શિક્ષકો, વિધાર્થી અને સંચાલકોમાં દોડધામ મચી ગઇ હતી.